![]()
Ahmedabad Theft Case: અમદાવાદમાં ઘરઘાટી કે સફાઈ કામદારો દ્વારા ચોરી કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઈટના જોધપુરમાં, ઘરમાં સાફ-સફાઈ માટે બોલાવવામાં આવેલા ક્લિનિંગ સર્વિસના બે અજાણ્યા યુવકો વૃદ્ધ મહિલાના ઘરમાંથી 3,75,000 રૂપિયાના સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા છે. વિશ્વાસ રાખીને કામ સોંપ્યા બાદ થયેલી આ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઘરની સાફ-સફાઈ કરાવવાનું નક્કી કર્યું અને..
જોધપુર ગામમાં આવેલા તપ્સી એપાર્ટમેન્ટમાં રહેતા 69 વર્ષીય રશ્મીબેન જયંતીલાલ શાહે આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેઓ વિધવા છે અને ઘરમાં એકલા રહે છે તેમજ જોધપુર ગામમાં જ આવેલા આર. આર. પીજીમાં કેરટેકર તરીકે નોકરી કરે છે. મુંબઈ રહેતી તેમની દીકરી વેકેશનમાં ઘરે આવી હોવાથી, તેમણે ઘરની સાફ-સફાઈ કરાવવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન ક્લિનિંગ સર્વિસના બે શખ્સોએ 3,75,000ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી લીધી હતી.
કેવી રીતે કરી ચોરી?
આ ઘટના ગત 11 મેના રોજ બની હતી. રશ્મીબેનની ભત્રીજાવહુની ભલામણથી વસ્ત્રાપુરની ‘ચામુંડા ક્લિનિંગ સર્વિસ’માંથી આશરે 25થી 30 વર્ષના બે યુવકો સફાઈ માટે આવ્યા હતા. તે સમયે રશ્મીબેન નોકરી પર ગયા હતા અને તેમની દીકરી મોહિની ઘરે હાજર હતી. બંનેમાંથી એક યુવક હોલમાં સફાઈ કરતો હતો, જ્યારે બીજો યુવક બેડરૂમમાં એકલો સફાઈ કરી રહ્યો હતો. આ તકનો લાભ ઉઠાવી બેડરૂમમાં રહેલા લાકડાના કબાટના લોકર ઉપર જ પડેલી ચાવી વડે લોકર ખોલીને આ શખ્સે અંદરથી બે સોનાની પેન્ડલવાળી ચેઈન અને સોનાની કેપવાળું એક રુદ્રાક્ષનું બ્રેસલેટ સહિત કુલ 3.75 લાખના દાગીનાની ચોરી કરી હતી.
આ પણ વાંચો: VIDEO: બંજી જમ્પિંગમાં યુવતીને સુરક્ષા દોરડું બાંધ્યા વગરની ફેકી દેવાઈ, એડવેન્ચર કંપનીની બેદરકારીથી દર્દનાક મોત
સફાઈકામ પૂરું થયા બાદ દીકરીએ તેમને 3,700 રૂપિયા ઓનલાઈન ચૂકવ્યા પણ હતા. બીજા દિવસે સાંજે રશ્મીબેને બુટ્ટી બદલવા માટે કબાટ ખોલતા દાગીના ગાયબ હોવાની જાણ થઈ હતી. આ અંગે બંને અજાણ્યા સફાઈ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.










