![]()
Ahmedabad Municipal Corporation News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આગામી તહેવારો અંગે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં આગામી રથયાત્રા પૂર્વે 29મી જૂનના રોજ યોજાનારી જળયાત્રાને ધ્યાનમાં રાખીને 22મી જૂનના રોજ સાબરમતી નદીમાં પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરમાં ફૂટપાથ પર થતા ગેરકાયદે દબાણોને ડામવા માટે હવેથી ફૂટપાથની પહોળાઈ ઓછી રાખવાનો નિર્ણય કરાયો છે.
ફૂટપાથ પર દબાણ વધતા હવેથી સાઈઝ નાની રાખવા આદેશ
રોડની કામગીરી અંગે સ્પષ્ટતા કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે, ‘ભવિષ્યમાં ખોદકામ ટાળવા માટે જ્યાં યુટિલિટી લાઈનો સાઈડમાં હશે. ત્યાં જ વ્હાઇટ ટોપિંગ કે RCC રોડ બનાવવામાં આવશે. જ્યારે કુબેરનગર અંડરપાસ પાસે ITIના વિદ્યાર્થીઓની અવરજવરની સુવિધા માટે 9 મીટરનો રોડ ખુલ્લો કરાવીને તાત્કાલિક ફૂટબ્રિજ બનાવવાની કામગીરીને પણ લીલી ઝંડી આપવામાં આવી છે.’
22મી જૂનથી સાબરમતી નદીમાં પાણી પાણી છોડાશે
રથયાત્રા પહેલા સાબરમતી નદીમાં જળયાત્રા માટે પાણી ભરવા બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે, ‘અમદાવાદમાં રથયાત્રા પૂર્વે 29મી જૂનના રોજ જળયાત્રાનો કાર્યક્રમ યોજાવાનો છે. અમે સૂચના આપી છે કે જળયાત્રા પહેલાં સાબરમતી નદીમાં પાણી ભરવાની વ્યવસ્થા કરવી જોઈએ. આગામી 22મી જૂનના રોજ તારીખથી સાબરમતીમાં પાણી ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.’
નવા ફૂટપાથ અને રોડ અંગે કમલેશ પટેલે જણાવ્યું કે, ‘અમદાવાદમાં રોડની પહોળાઈને ધ્યાનમાં રાખીને ક્યાંક 1 મીટર તો ક્યાંક 5 મીટરની ફૂટપાથ બનાવવામાં આવે છે. કમિટીમાં આ બાબતે ચર્ચા થઈ, જેમાં ફૂટપાથ પર રાહદારીઓના ચાલવા કરતા લોકોના દબાણ વધારે થઈ જતા હોય છે. આથી એવી સૂચના આપી છે કે હવેથી બને ત્યાં સુધી ફૂટપાથ નાની જ બનાવવી જોઈએ.’
રોડ ખોદકામ રોકવા વ્હાઇટ ટોપિંગ અને RCC રોડ માટે નવા નિયમો
વ્હાઇટ ટોપિંગ અને RCC રોડ વિશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે, ‘પૂર્વ વિસ્તારમાં બે-એક જગ્યાએ મારું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે વ્હાઇટ ટોપિંગ રોડ બન્યાના ત્રણ જ મહિનામાં તેને ખોદવા પડ્યા હતા. ખાસ કરીને કોટ અને પૂર્વ વિસ્તારમાં યુટિલિટી લાઈનો રોડની મધ્યમાં હોવાથી, ગમે ત્યારે પ્રોબ્લેમ આવે તો રોડ ખોદવો પડતો હોય છે. જેથી એવું નક્કી કર્યું છે કે જ્યાં યુટિલિટી સાઈડમાં હોય તો જ વ્હાઇટ ટોપિંગ કે આરસીસીનો રોડ બનાવવો. જો યુટિલિટી વચ્ચે હોય તો તેને ખસેડીને પહેલા સાઈડમાં કરવી જોઈએ, પશ્ચિમના વિસ્તારોમાં જ્યાં યુટિલિટી પહેલેથી જ સાઈડમાં હોય છે ત્યાં આવા રોડ કરવામાં કોઈ વાંધો નથી.’
કુબેરનગર અંડરપાસ પાસે ITIના વિદ્યાર્થીઓ માટે ફૂટબ્રિજ બનશે
કુબેરનગર અંડરપાસ પાસેના ફૂટબ્રિજ વિશે કમલેશ પટેલે જણાવ્યું કે, ‘કુબેરનગર અંડરપાસથી આગળ ITIના વિદ્યાર્થીઓને અવરજવરમાં ખૂબ મુશ્કેલી પડતી હતી. પહેલા પણ એક વખત આનો સર્વે કર્યો હતો અને ઓવરબ્રિજ બનાવવાનું કીધું હતું, પણ તેમાં 9 મીટરના રોડ અને કપાતના પ્રોબ્લેમ નડતા હતા. આજે મેં એવી સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે 9 મીટરનો રોડ ખોલીને જે જગ્યા ઉપર ફૂટબ્રિજ ઉતારવાનો છે તે જગ્યા તાત્કાલિક ખુલ્લી કરવામાં આવે, જેથી કરીને આ બ્રિજનું કામ આગળ થઈ શકે.










