મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજશનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો જ્યારે ચાંદીના ભાવ વધુ ઉંચકાયા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૩૨થી ૩૩૩૩ વાળા ઉંચામાં ૩૩૪૭ થયા પછી નીચામાં ભાવ ૩૨૭૪ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૩૩૨૪થી ૩૩૨૫ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી જોવા મળી હતી.
અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર કરાર વિષ?ક સ્વીત્ઝર્લેન્ડમાં મળી રહેલી મિટિંગ પર બજારના ખેલાડીઓની નજર હતી. વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી ઉંચામાં ૧૦૦.૮૬ થઈ છેલ્લે ૧૦૦.૪૨ રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ આવી રહ્યાની ચર્ચા હતી. ટ્રમ્પે ચીનની ચીજો પર ૮૦ ટકા ટેરીફના સંકેતો રાખ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૫.૪૨ વાળા રૂ.૮૫.૪૯થી ૮૫.૫૦ બોલાતા થયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૯૦૦ તૂટી ૯૯૫ના ભાવ રૂ.૯૮૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૫૦૦ બોલાયા હતા.
અમદાવાદ બજારમાં ત્રણ દિવસમાં સોનાના ભાવ રૂ.૨૦૦૦ તૂટી ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૫૦૦ ઘટી રૂ.૯૬૫૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૨.૫૬થી ૩૨.૫૭ વાળા સપ્તાહના અંતે ૩૨.૭૨થી ૩૨.૭૩ ડોલર રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ઘટી ૯૯૫ના રૂ.૯૫૫૦૦ તથા ૯૯૯ના રૂ.૯૫૯૦૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૫૭૨૬ વાળા રૂ.૯૬૨૫૦ રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૮૭થી ૯૮૮ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૧૦૦૦ પાર કરી ૧૦૦૩ થઈ છેલ્લે ભાવ ૧૦૦૧થી ૧૦૦૨ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ૯૭૯થી ૯૮૦ ડોલર રહ્યા હતા. વૈશ્વીક કોપરના ભાવ છેલ્લે ૧.૦૬ ટકા પ્લસમાં રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૪.૨૭ થયા પછી નીચામાં ભાવ ૬૨.૮૪ થઈ છેલ્લે ભાવ ૬૩.૯૧ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૧.૪૫ તથા નીચામાં ૫૯.૭૯ થઈ છેલ્લે ભાવ ૬૧.૦૨ ડોલર બોલાઈ રહ્યા હતા.