![]()
AAP MLA Chaitar Vasava Sentenced 7 Years Jail: નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં આજે (23મી જૂન) રાજપીપળા સેશન્સ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કરીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ચુકાદા બાદ સરકારી વકીલના જણાવ્યા મુજબ, ચૈતર વસાવા હવે પાકા કામના કેદી થયા, તેમના સહિત તમામ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવશે. ચૈતર વસાવાએ કોર્ટના ચુકાદાનો આદર કરતા જણાવ્યું કે, તેમને ન્યાયતંત્ર પર પૂર્ણ ભરોસો છે અને તેઓ હવે ઉપલી કોર્ટમાં અપીલ કરશે. સમગ્ર મામલે હવે ગુજરાતનું રાજકારણના ગરમાઈ ચૂક્યું છે, AAP સાથે કોંગ્રેસના નેતાઓએ પણ ભાજપ સરકાર વિરુદ્ધ તીખી પ્રતિક્રિયાઓ આપી છે.
આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો ભાજપને જવાબ આપશે: કેજરીવાલ
AAPના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાળે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘ED પાર્ટીએ એ ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કાવતરું ઘડીને સાત વર્ષની જેલની સજા કરાવી. આ વાતથી આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો ભાજપને જવાબ આપશે.’
ગુજરાતના AAPના નેતાઓએ કહ્યું,-‘આ ભાજપ પ્રેરિત ષડયંત્ર’
આ ચુકાદા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગોપાલ ઈટાલિયાએ આ સમગ્ર ઘટનાક્રમને ભાજપ પ્રેરિત ષડયંત્ર ગણાવતા કહ્યું કે, આદિવાસીઓનો અવાજ ઉઠાવવા બદલ ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવીને સજા કરાવવામાં આવી છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, ચૈતરભાઈએ માત્ર વન કર્મચારી અને ખેડૂત વચ્ચે સમાધાન કરાવ્યું હતું, પરંતુ ભાજપે ડરાવી-ધમકાવીને ફરિયાદ કરાવી છે. આપ નેતાઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ ન્યાય માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવશે.
કોંગ્રેસે પણ ચૈતર વસાવાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો
આ વિવાદમાં ચૈતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ પણ મેદાને આવ્યા છે. વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે ન્યાયપાલિકાના ચુકાદા સામે શંકા વ્યક્ત કરતા જણાવ્યું કે, સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર આદિવાસીઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે આ લડાઈ હવે આખી આદિવાસી સમાજની લડાઈ છે અને આગામી દિવસોમાં પણ તેઓ ચૈતર વસાવાની સાથે જ રહેશે.
જોગવાઈ પ્રમાણે ધારાસભ્ય પદ રદ થઈ જાય: વિધાનસભાના ઉપાધ્યક્ષ
વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ કહ્યું કે- ‘2 વર્ષથી વધુની સજા થાય એટલે કાયદાની જોગવાઈ પ્રમાણે ધારાસભ્ય પદ રદ થઈ જાય, તેમજ આગામી 6 વર્ષ સુધી કોઈ ચૂંટણી પણ લડી ન શકે, હવે કોર્ટનો ચુકાદો સરકારના કાયદાકીય વિભાગના ધ્યાને મૂકવામાં આવશે, જે બાદ નિયમ પ્રમાણે તેમનું ધારાસભ્ય પદ રદ થઈ જશે’
આ પણ વાંચો: AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં
વન કર્મચારી સાથે મારામારીના કેસમાં સજા થઈ
આ સમગ્ર વિવાદ નવેમ્બર 2023માં નોંધાયેલી સત્તાવાર પોલીસ ફરિયાદ સાથે જોડાયેલો છે. ફરિયાદ મુજબ, ચૈતર વસાવા પર આક્ષેપ હતો કે તેમણે વન વિભાગના કર્મચારીઓને વાતચીત કરવા ઘરે બોલાવી તેમની સાથે મારામારી કરી હતી. તેમજ સરકારી ફરજમાં અડચણ ઊભી કરી, હવામાં ફાયરિંગ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ તેઓ લાંબો સમય ફરાર રહ્યા પછી પોલીસ સમક્ષ હાજર થયા હતા, જેના પર લાંબી કાયદાકીય ટ્રાયલ બાદ આજે કોર્ટે આ ચુકાદો આપ્યો છે. દેડિયાપાડા પોલીસ સ્ટેશન ઇન્ડિયન પિનલ કોડ કલમ-143, 147, 148, 149, 186, 189, 332, 353, 386, 294(B), 506(2), 34 તથા હથિયાર ધારો અધિનિયમ એક્ટ કલમ-25(1)(એ) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી.
9 આરોપીઓની યાદી
(1) ચૈતરભાઇ દામજીભાઇ વસાવા વસાવા. રહેઠાણ- બોગજ
(2) શકુંતલાબેન વા./ઓફ ચૈતરભાઇ દામજીભાઇ વસાવા. રહેઠાણ- બોગજ
(2) શુકંતાબેન ઉર્ફે શકુંતલાબેન વા/ઓફ બલીરામ કાલુસીંગભાઇ વસાવા. રહેઠાણ- હલગામ
(4) મરીયમબેન વા/ઓફ ઝવેરભાઇ ગંભીરભાઇ વસાવા. રહેઠાણ- બોગજ
(5) રમેશભાઇ ગીમ્બાભાઇ વસાવા. રહેઠાણ- ઝાડોલી
(6) મોગરાબેન વા/ઓફ રમેશભાઇ ગીમ્બાભાઇ વસાવા. રહેઠાણ- ઝાડોલી
(7) રિંશભાઇ ફુલસિંગભાઇ વસાવા. રહેઠાણ- બોગજ
(8) જીતેન્દ્રભાઇ નાથાલાલ વસાવા. રહેઠાણ- બોગજ
(9) બલીરામ કાલુસીંગભાઇ વસાવા. રહેઠાણ- બોગજ










