![]()
Ahmedabad News: અમદાવાદ શહેરના નારોલમાં એક યુવકને સોશિયલ મીડિયા પર અજાણી એપ દ્વારા ચેટિંગ કરવું ભારે પડ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બે અજાણ્યા શખ્સોએ યુવકને રૂબરૂ મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ તેઓ યુવકના મોપેડ પર બેસીને તેને એક અવાવરુ સ્થળે લઈ ગયા હતા. ત્યાં મોપેડની ચાવી કાઢી લીધા બાદ, રૂપિયાની માંગણી કરીને યુવકને બેલ્ટથી ઢોર માર માર્યો હતો અને ગાલ પર લાફા માર્યા હતા. લૂંટારુઓ તેની પાસેથી રૂ. 45,000ની વીંટી અને ઓનલાઈન રૂ. 5,000 ટ્રાન્સફર કરાવીને કુલ રૂ. 50,000ની લૂંટ ચલાવી નાસી ગયા હતા. નારોલ પોલીસે આ અંગે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
નારોલમાં રહેતા એક યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, એક મહિના પહેલા રાતના સમયે તે અજાણ્યા શખ્સો સાથે ચેટિંગ કરતો હતો. આ ચેટિંગ બાદ તેઓએ યુવકને રાત્રે રૂબરૂ મળવા બોલાવ્યો હતો અને ત્યારબાદ તેઓ યુવકના જ મોપેડ પર બેસીને તેને નારોલ કેનાલ પાસે આવેલા એક અવાવરુ સ્થળે લઈ ગયા હતા.
ત્યાં લઈ જઈને શખ્સોએ મોપેડની ચાવી કાઢી લીધી હતી અને રૂપિયાની માંગણી કરી હતી. યુવકે ના પાડતા તેને બેલ્ટથી ઢોર માર મારવામાં આવ્યો હતો અને ગાલ પર લાફા માર્યા હતા. લૂંટારુઓ તેની પાસેથી રૂ. 45,000ની કિંમતી વીંટી અને ઓનલાઈન રૂ. 5,000 મંગાવીને કુલ રૂ. 50,000ની લૂંટ ચલાવી, મોપેડની ચાવી પરત આપીને ત્યાંથી નાસી ગયા હતા.








