અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેશના રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર તથા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ચાંદલોડિયા અને ચાંદખેડા વોર્ડમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તિરંગાના રંગોથી સમગ્ર વિસ્તાર દેશભક્તિના માહોલમાં રંગાઈ ગયો હતો.
ચાંદલોડિયા વોર્ડમાં વિશ્વકર્મા મંદિરથી શરૂ થયેલી તિરંગા યાત્રા મુરલીધર ડેરી, સિલ્વર સ્ટાર ચાર રસ્તા, શિવમ ગેસ સહિતના માર્ગો પરથી પસાર થઈ અંદરના રોડ પર આવેલા બહુચર માતાના મંદિર સુધી પહોંચી હતી.આ યાત્રામાં સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ, સ્થાનિક કાઉન્સિલરઓ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિદ્યાર્થીઓ અને નાગરિકોએ હાથમાં તિરંગો લઈને ઉત્સાહપૂર્વક યાત્રામાં ભાગ લીધો હતો. સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
તે જ રીતે ચાંદખેડા વોર્ડમાં તિરંગા યાત્રાનો પ્રારંભ એજ્યુકેશન સર્કલથી થયો હતો. ત્યારબાદ, યાત્રા વિશ્વકર્મા કોલેજથી ન્યૂ સી.જી. રોડ પર આવેલી સાકાર સ્કૂલ સુધી યોજાઈ હતી.
ચાંદખેડા વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રામાં ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, કોર્પોરેશનના દંડક અને કાઉન્સિલર અતુલ મિશ્રા સહિત અન્ય કાઉન્સિલરઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, સ્થાનિક નાગરિકો તેમજ ભાજપના આગેવાનો જોડાયા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને નાગરિકોએ હાથમાં તિરંગો લઈને ઉત્સાહપૂર્વક યાત્રામાં ભાગ લીધો હતો અને ‘વંદે માતરમ્’ તથા ‘ભારત માતા કી જય’ના નારા લગાવી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.
બંને વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રા દરમિયાન તિરંગા સાથે વિદ્યાર્થીઓ, નાગરિકો અને આગેવાનોની ઉત્સાહભેર સહભાગિતાથી રાષ્ટ્રપ્રેમની અનોખી ઝલક જોવા મળી હતી.સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને ‘વંદે માતરમ્’ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર તથા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ તિરંગા યાત્રાઓ થકી ચાંદલોડિયા અને ચાંદખેડા વોર્ડમાં એકતા, રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓથી લઈને સ્થાનિક નાગરિકો અને જનપ્રતિનિધિઓની ઉત્સાહભેર સહભાગિતાએ આ ઉજવણીને વધુ ભવ્ય અને યાદગાર બનાવી હતી.










