ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા ક્રાઈમ પીઆઈ અને ટીમે ગરબે રમી રાખી કર્યું નિરીક્ષણ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન મહિલાઓની સુરક્ષાની અતિ મહત્ત્વની જવાબદારી નિભાવવા માટે અમદાવાદ પોલીસની શી ટીમ પૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે. આ સુરક્ષા ઝુંબેશ અંતર્ગત મહિલા ક્રાઈમ પીઆઈ અને તેમની ટીમે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા એસી ડોમ ગરબા મહોત્સવમાં ખાસ ટ્રેડિશનલ કપડાં પહેરીને હાજરી આપી હતી.
મહિલા ક્રાઈમ બ્રાંચની આ ટીમે ડોમમાં આયોજિત ગરબામાં એન્ટ્રી લઈને સૌપ્રથમ આખા ડોમ વિસ્તારમાં એક કલાક જેટલા સમય સુધી ફરીને સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે ગરબા સ્થળના સર્વેલન્સ રૂમમાં જઈને એક-એક સીસીટીવી કેમેરા અને સુરક્ષા બંદોબસ્તની કડક ચકાસણી કરી હતી.
તપાસ પૂર્ણ કર્યા બાદ મહિલા પીઆઈ અને તેમની આખી ટીમ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમી હતી અને ગરબા રમતા રમતા જ આજુબાજુમાં હાજર યુવકો તેમજ રોમિયોગીરી કરતા શંકાસ્પદ તત્ત્વો પર બાજ નજર રાખી હતી. આ સાથે જ કોઈ મહિલાઓની છેડતી કરે છે કે તેમનો ખાનગી વીડિયો ઉતારે છે તેના પર પણ સતત વોચ રાખવામાં આવી રહી હતી.
આ સઘન નિરીક્ષણ દરમિયાન એક શખ્સ વીડિયો ઉતારતો જોવા મળતા પોલીસે તુરંત જ સ્થળ પર જઈને તેનો મોબાઈલ ફોન ચેક કર્યો હતો. જોકે, બાદમાં પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે યુવક પોતાના જ ગ્રુપની યુવતીઓનો વીડિયો શૂટ કરી રહ્યો હતો.ઉલ્લેખનીય છે કે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસ. જી. હાઈવેને અડીને એસ. પી. રિંગ રોડ સુધી વિશાળ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં વિવિધ પાર્ટી પ્લોટ, એસી ડોમ, ક્લબ અને શેરી ગરબાના સ્થળોએ તપાસ માટે ૮ જેટલી અલગ-અલગ ટીમો પહોંચી હતી. પોલીસના જણાવ્યા મુજબ, સમગ્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન અલગ-અલગ ટીમો દરરોજ રાત્રે ૮ વાગ્યાથી ગરબા પૂર્ણ થાય ત્યાં સુધી સતત તહેનાત રહેશે. જો કોઈ રોમિયોગીરી કરતો શખસ જણાશે કે મહિલાને મદદની જરૂર પડશે તો તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવશે.







