મુંબઈ : એપ્રિલમાં સતત બીજા મહિને રિટેલ ફુગાવો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ચાર ટકાના ટાર્ગેટની નીચે આવ્યા બાદ જૂનની બેઠકથી રેપો રેટમાં ઘટાડો શરૂ થવાની એનાલિસ્ટો અપેક્ષા રાખી રહ્યા છે.
આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) ૪થી ૬ જૂન દરમિયાન મળનારી બેઠકમાં રેપો રેટમાં પા ટકાનો ઘટાડો કરશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે એટલું જ નહીં ચોમાસાની સ્થિતિનો અંદાજ મેળવી ત્યારપછીની બેઠકમાં પણ રેપો રેટમાં ઘટાડો ચાલુ રહેવાની ધારણાં છે.
વર્તમાન વર્ષનું ચોમાસુ સામાન્ય કરતા સારુ રહેવાની આગાહી કરવામાં આવી છે. ૨૦૨૫ના ફેબુ્રઆરીથી સતત બે બેઠકમાં રેપો રેટમાં કુલ અડધા ટકાનો ઘટાડો કરાયો છે.ચોમાસુ સારુ રહેવાની આગાહીને ધ્યાનમાં રાખતા ફુગાવો હજુપણ મંદ પડી શકે છે. રિટેલ ફુગાવામાં ખાધ્ય પદાર્થોનો ફુગાવો મહત્વનો ભાગ બની રહે છે. આ ઉપરાંત દેશમાં આર્થિક વિકાસ દરના આંકડા પણ વ્યાજ દરમાં ઘટાડાની તરફેણ કરી રહ્યા છે.
અમેરિકા દ્વારા શરૂ કરાયેલી ટ્રેડ વોરને કારણે વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજમાં વિવિધ એજન્સીઓ દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. એપ્રિલનો ફુગાવો ૩.૧૬ ટકા સાથે છ વર્ષની નીચી સપાટીએ રહ્યો છે, જે વ્યાજ દર ઘટાડવા માટે સાનુકૂળ છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
એપ્રિલની બેઠકમાં એમપીસી દ્વારા રેપો રેટમાં પા ટકાના વધુ ઘટાડા સાથે મુખ્ય વ્યાજ દર હાલમાં છ ટકા પર આવી ગયો છે. ટેરિફ વોરને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે દેશના આર્થિક વિકાસ દરના પોતાના અંદાજને ૬.૭૦ ટકા પરથી ઘટાડી ૬.૫૦ ટકા અને ફુગાવાની ધારણાં ૪.૨૦ ટકા પરથી ઘટાડી ૪ ટકા મૂકી છે.