Bhopal Loot and Scoot Bride: મધ્યપ્રદેશના ભોપાલમાં રાજસ્થાન પોલીસે એક એવી મહિલાની ધરપકડ કરી છે જેને હવે ‘લૂંટ એન્ડ સ્કૂટ બ્રાઈડ’ કહેવામાં આવી રહી છે. આ મહિલાનું નામ અનુરાધા પાસવાન છે, જેના પર છેલ્લા સાત મહિનામાં 25 અલગ-અલગ પુરુષો સાથે લગ્ન કરવાનો અને પછી ફરાર જવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ લૂંટેરી દુલ્હન દરેક લગ્ન પછી ઘરમાંથી કિંમતી સામાન અને રોકડ રકમ લઈને ફરાર થઈ જતી હતી.
મળતી માહિતી પ્રમાણે અનુરાધા એક ‘ઠગ ગેંગ’ માટે કામ કરતી હતી, જે એવા યુવાનોને નિશાન બનાવે છે જેના લગ્ન નહોતા થઈ શકતા અથવા જેઓ જલ્દી લગ્ન કરવા માંગે છે. અનુરાધા આ યુવાનો સાથે લગ્ન કર્યા પછી પહેલા થોડા દિવસ તેમના ઘરમાં દુલ્હનની જેમ રહેતી, અને પછી તક મળતાં જ તે પોતાનો સામાન પેક કરીને ગાયબ થઈ જતી હતી. ખાસ વાત એ હતી કે તે લગ્ન સંપૂર્ણપણે કાયદેસર રીતે કરાવતી હતી, જેના કારણે પીડિતો તાત્કાલિક તેની વિરુદ્ધ કંઈ કરી નહોતા શકતા.
રાજસ્થાનના વ્યક્તિ સાથે લગ્ન
આ મામલે પ્રથમ ફરિયાદ સવાઈ માધોપુરના રહેવાસી વિષ્ણુ શર્મા દ્વારા ૩ મેના રોજ નોંધાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘મેં બે એજન્ટ સુનિતા અને પપ્પુ મીણાને દુલ્હન શોધવા માટે 2 લાખ રૂપિયા આપ્યા હતા. એજન્ટોએ મને કહ્યું કે, અનુરાધા મારા માટે યોગ્ય છોકરી છે અને 20 એપ્રિલે અમે બંનેએ સ્થાનિક કોર્ટમાં લગ્ન કર્યા. પરંતુ 2 મેના રોજ અનુરાધા ઘરેથી ઘરેણાં અને રોકડ રકમ લઈને ભાગી ગઈ.’
આ હોસ્પિટલમાં કરી ચૂકી છે કામ
તપાસમાં સામે આવ્યું કે અનુરાધા અગાઉ ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાની એક હોસ્પિટલમાં કામ કરતી હતી. પતિ સાથે અણબનાવ પછી તે ભોપાલમાં સ્થાયી થઈ ગઈ અને પછી ઠગ ગેંગ સાથે જોડાઈ ગઈ. આ ગેંગનું કામ એજન્ટો દ્વારા દુલ્હો શોધવાનું હતું. વોટ્સએપ પર છોકરીઓના ફોટા મોકલીને તેમને લગ્ન માટે રાજી કરવામાં આવતા હતા અને તેમની પાસેથી 2 થી 5 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હતા. લગ્નના થોડા દિવસો પછી જ દુલ્હન ઘર છોડીને ફરાર થઈ જતી હતી.
આ પણ વાંચો: મુંબઈમાં કોવિડના કારણે બે દર્દીઓના મોત, ડૉક્ટરોએ કહ્યું – કોઈ ખતરો નથી પણ સાવચેતી જરૂરી
નકલી વરરાજા બનાવીને કોન્સ્ટેબલને મોકલ્યો
અનુરાધાના છેતરપિંડીનો ભોગ માત્ર વિષ્ણુ જ નહોતો. તેણે ભોપાલમાં ગબ્બર નામના વધુ એક યુવાન સાથે લગ્ન કર્યા અને તેની પાસેથી 2 લાખ રૂપિયા લીધા હતા. પોલીસે આ ગેંગને પકડવા માટે એક પ્લાન બનાવ્યો અને એક કોન્સ્ટેબલને નકલી વરરાજા બનાવીને એજન્ટોના સંપર્કમાં મોકલ્યો. ત્યારબાદ અનુરાધાનો ફોટો સામે આવતાની સાથે જ પોલીસે તેની ધરપકડ કરી લીધી. હવે ગેંગના અન્ય સભ્યો રોશની, રઘુબીર, ગોલુ, મજબૂત સિંહ યાદવ અને અર્જુનની તલાશ કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને આવી છેતરપિંડીનો શિકાર ન બનવા ચેતવણી આપી છે.