ITR Filling New Tax Regime: નવા નાણાકીય વર્ષ 2025-26ની શરૂઆત સાથે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તજવીજ પણ શરૂ થઈ ચૂકી છે. તેમાં પણ બજેટમાં નવી ટેક્સ રિજિમમાં કેન્દ્ર સરકારે રૂ. 12 લાખ સુધીની આવકને ટેક્સ મુક્ત જાહેર કરી કરદાતાઓને મોટી રાહત આપી છે. જો કે, આ નવી ટેક્સ રિજિમમાંથી ઘણા જૂના લાભો દૂર થયા છે. તેમાંનો એક લાભ લીવ ટ્રાવેલ એલાઉન્સ કપાત છે.
નવી ટેક્સ રિજિમમાં કરદાતાઓને કંપની તરફથી મળતાં લીવ ટ્રાવેલ એલાઉન્સને ટેક્સ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જ્યારે જૂની રિજિમમાં કલમ 80 (જી) હેઠળ બાદ મળતો હતો. જેમાં તેને સેલેરી પેકેજમાં આવરી લેવામાં આવ્યો હતો તેમજ મુસાફરી ખર્ચ માટે ટેક્સ બાદ મળતો હતો. પરંતુ નવા સ્ટ્રક્ચરમાં તેનો લાભ મળશે નહીં. આ સિવાય પ્રોવિડન્ટ ફંડ, સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટમેન્ટ, ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં મળતા કપાતના લાભો પણ મળશે નહીં.
ટેક્સનો બોજો હળવો થતાં લાભો દૂર
પહેલી એપ્રિલ 2025થી અમલમાં આવેલા નવા ટેક્સ રિજિમમાં આવકવેરાની જુદી જુદી કલમ હેઠળ આપવામાં આવતા ટેક્સ માફીના લાભ સંપૂર્ણપણે પાછા ખેંચી લીધા છે. તેમાં રૂ. 12 લાખ સુધીની આવકને ટેક્સ મુક્ત ગણાવવામાં આવી હોવાથી 70થી 80 ટકા કરદાતાઓ પર ટેક્સનો બોજો દૂર થયો છે. મોટાભાગના લોકો નવા ટેક્સ રિજિમ મુજબ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું પસંદ કરી રહ્યા છે. રૂ. 12.75 લાખની આવક પર ટેક્સ લાગુ ન થતાં LTA (લીવ ટ્રાવેલ એલાઉન્સ) જેવા ટેક્સ કપાતના લાભો દૂર થયા છે. તેને છેલ્લા 20 વર્ષથી ખર્ચ ગણી ટેક્સમાં બાદનો લાભ મળતો હતો.
જૂની ટેક્સ રિજિમમાં ચાર વર્ષે બે ટ્રીપનો ખર્ચ બાદ
જૂની ટેક્સ રિજિમમાં LTA કપાતનો લાભ ચાર વર્ષના બ્લોકમાં બે વખત મળે છે. હાલ 1 જાન્યુઆરી, 2022થી 31 ડિસેમ્બર, 2025 સુધી બ્લોક લંબાવવામાં આવ્યો છે. કરદાતા આ બ્લોકમાં ઓછામાં ઓછી બે ટ્રીપનો ખર્ચ બાદ મેળવી શકે છે. જેને પગારનો એક ભાગ ગણી મુસાફરી ખર્ચના બિલના આધારે કપાતનો લાભ મેળવી શકાય છે. આ કપાતનો લાભ માત્ર ભારતમાં મુસાફરી માટે મળે છે.