Manipur Political News : દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી સરકાર બનાવવાની કવાયત ઝડપી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષ સુધી જાતીય હિંસાનો દોર ચાલ્યો હતો. આ સમયગાળા દરમિયાન મુખ્યમંત્રી એન.બીરેન સિંહે રાજીનામું આપ્યું હતું, જેના કારણે સરકાર પડી ભાંગી અને રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું હતું. જોકે હવે હિંસાગ્રસ્ત રાજ્યમાં સરકાર બનવાની કવાયત તેજ કરી દેવાઈ છે.
NDAએ 44 ધારાસભ્યના સમર્થનનો દાવો રજૂ કર્યો
ભાજપના ધારાસભ્ય થોકચોમ રાધેશ્યામ સિંહ (Tokyo Radheshyam Singh)ની આગેવાની હેઠળ NDAના 10 ધારાસભ્યોના ડેલિગેશને રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે મુલાકાત કરી હતી અને રાજ્યમાં સરકાર બનાવવા માટે 44 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. ડેલિગેશને કહ્યું છે કે, અમે સરકાર બનાવવા માટે તૈયાર છીએ.
આ પણ વાંચો : વિવાહિત મહિલાએ લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ કેમ બાંધ્યા? દુષ્કર્મનો કેસ સુપ્રીમ કોર્ટે ફગાવ્યો
કોણ બનશે નવા મુખ્યમંત્રી? બીરેન સિંહ કે કોઈ અન્ય
એકતરફ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવાની અને નવી સરકાર બનાવવાની દોડધામ શરૂ થઈ ગઈ છે, તો બીજીતરફ રાજ્યમાં નવા મુખ્યમંત્રી બનાવાશે કે પછી પૂર્વ સીએમ બીરેન સિંહને ફરી સત્તા સોંપાશે, તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે આ મામલે મીડિયા જાણકારોનું માનવું છે કે, ‘ભાજપના ધારાસભ્ય થોકચોમની આગેવાની હેઠળ જ ડેલિગેશને રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. તેઓ જ મીડિયા સાથે વાત કરી રહ્યા છે. રાધેશ્યામ બીરેન સિંહની જેમ મૈતેઈ સમુદાયના છે, મૈતેઈ ધારાસભ્યોની સંખ્યા વધુ છે અને વસ્તી પણ… ભાજપના મુખ્ય મતદારો પણ મૈતેઈ જ છે. આવી સ્થિતિમાં એવું બની શકે છે કે, ભાજપ મૈતેઈ સમાજને નારાજ કરીને ખતરો નહીં ઉઠાવે અને અન્ય સમાજ સાથે પણ ઠીકઠાક સંબંધો ધરાવતા કોઈ અંડરરેટેડ નેતાને મુખ્યમંત્રી બનાવી દેશે.’
મણિપુરમાં સૌથી વધુ મૈતેઈ ધારાસભ્યો
60 બેઠક ધરાવતા મણિપુર વિધાનસભામાં વર્તમાનમાં કુલ 59 ધારાસભ્યો છે. એક ધારાસભ્યના નિધનના કારણે એક સીટ ખાલી છે. ભાજપની આગેવાનીવાળા ગઠબંધનમાં 44 ધારાસભ્યો છે. જાતીય હિંસાની પીડિતાનો સામનો કરી રહેલા મણિપુરમાં જાતિ-વર્ગની દ્રષ્ટિએ જોઈએ તો ભાજપના ગઠબંધનમાં 44માંથી 33 ધારાસભ્યો મૈતેઈ સમાજના, ત્રણ મુસ્લિમ અને નવ નગા ધારાસભ્યો છે. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનમાંથી સાત કૂકી સમાજના લોકો જીતીને વિધાનસભા પહોંચ્યા હતા, જોકે જાતીય હિંસાના કારણે તેઓએ ગઠબંધન છોડી દીધું હતું. કોંગ્રેસના તમામ પાંચ ધારાસભ્યો મૈતેઈ સમાજના છે, બાકીના ત્રણ ધારાસભ્ય કૂકી સમાજના છે. આમ વિધાનસભામાં મૈતેઈ સમાજના કુલ 37 ધારાસભ્યો છે, જે બહુમતીના આંકડા 31થી વધુ છે.
આ પણ વાંચો : ‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા