રિસોર્ટમાં વીઆઇપી સેવાના ઇનકાર બદલ અંકિતાની હત્યા કરાઇ હતી
રિસોર્ટના માલિક અને નેતાના પુત્ર પુલકિતને હત્યાનો અફસોસ નહીં, સજા બાદ કોર્ટ બહાર હસતો જોવા મળ્યો
દેહરાદુન: ઉત્તરાખંડના ચર્ચાસ્પદ અંકિતા ભંડારી હત્યા કેસમાં સ્થાનિક કોર્ટે ચુકાદો આપ્યો છે, કોર્ટે રિસોર્ટના માલિક પુલકિત આર્ય સહિત ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ૧૯ વર્ષીય અંકિતા આ રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી, અંકિતાની સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ પુલકિત, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાએ હત્યા કરી હતી. આ ત્રણેય આરોપીઓને આખરે કોર્ટે દોષિત ઠેરવીને આજીવન કેદની સજા આપી છે.
ઉત્તરાખંડના કોટદ્વારની કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ રીના નેગીએ ત્રણેય દોષિતોને ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ઉત્તરાખંડના પૌડી જિલ્લાના યમકેશ્વર સ્થિત વનંત્રા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી અંકિતા ભંડારીનો મૃતદેહ એક કેનાલમાંથી મળી આવ્યો હતો. આ હત્યામાં સામેલ મુખ્ય આરોપી અને રિસોર્ટનો માલિક પુલકિતના પિતા વિનોદ આર્ય આ ઘટના બની તે સમયે ભાજપમાં સામેલ હતા. આ મામલાને લઇને રાજકારણ ગરમાયું હતું. શુક્રવારે ત્રણેય દોષિતોને કોર્ટમાં હાજર કરાયા હતા, જ્યાં તેમને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. જોકે આજીવન કેદની સજા આ દોષિતો માટે સામાન્ય હોય તેમ કોર્ટમાંથી બહાર નિકળ્યા બાદ તેઓ મીડિયા અને લોકો સમક્ષ હસી રહ્યા હતા. તેમના ચેહરા પર કોઇ પણ પ્રકારનો પછતાવો નહોતો.
તપાસમાં સામે આવ્યું હતું કે અંકિતા અને પુલકિત વચ્ચે વિવાદ થયો હતો, જે બાદ પુલકિતે ભાસ્કર અને અંકિત ગુપ્તાની સાથે મળીને અંકિતાની હત્યા કરીને એક કેનાલમાં મૃતદેહ ફેંકી દીધો હતો. આ હત્યાકાંડ સમયે અનેક દાવા થઇ રહ્યા હતા. વિવાદને પગલે અંતે ભાજપે હત્યારા પુલકિત આર્યના પિતા વિનોદ આર્યને પક્ષમાંથી કાઢી મુક્યા હતા. એવા અહેવાલો સામે આવ્યા હતા કે પુલકિત આર્યના રિસોર્ટમાં ખાસ પ્રકારની વીઆઇપી સુવિધા આપવામાં આવી રહી હતી, આ વીઆઇપી સુવિધા આપવા માટે પુલકિત આર્યએ અંકિતાને દબાણ કર્યું હતું. જોકે અંકિતાએ ના પાડી દીધી હતી. જે બાદ તેની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ બહુ જ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને અંકિતાને ન્યાય આપવાની માગ કરી હતી. વિવાદને પગલે તપાસ માટે એસઆઇટીની રચના કરાઇ હતી, એસઆઇટીએ કુલ ૯૭ સાક્ષી સામેલ કર્યા હતા જેમાંથી ૪૭ સાક્ષીના નિવેદન લેવાયા હતા, આરોપીઓની સામે આઇપીસીની કલમ ૩૦૨ (હત્યા), ૨૦૧ (પુરાવાનો નાશ), ૩૫૪એ (છેડછાડ) અને દેહ વેપાર નિવારણ કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરાઇ હતી.