![]()
Haryana Vip Number Plate: ‘HR88B8888’ આ નંબર અને તેની 1.17 કરોડમાં હરાજી તો તમને યાદ હશે. કારણ કે આ ફેન્સી નંબર માટે ભારતમાં અત્યાર સુધીની સૌથી મોંઘી બોલી બોલાઈ હતી. પણ જેને હરાજી બોલી હતી તે નક્કી કરાયેલા દિવસોમાં સંપૂર્ણ રકમ જમા કરાવવામાં નિષ્ફળ રહેતા એ જ નંબરની ફરી હરાજી થઈ છે.
બીજી હરાજીમાં 26.71 લાખમાં વેચાઈ ફેન્સી નંબર પ્લેટ
આ નંબર પ્લેટની પહેલી વાર 26 નવેમ્બરના રોજ હરાજી કરવામાં આવી હતી. હિસારના સુધીર કુમારે ₹1.17 કરોડની બોલી લગાવીને તે જીતી હતી પરંતુ તે રૂપિયા ભરી શક્યો ન હતો. જેના કારણે હરિયાણા સરકારને તેને ફરીથી હરાજી માટે મૂકવાની ફરજ પડી હતી. જેની 10 ડિસેમ્બરે ફરીથી હરાજી થઈ હતી. જેમાં 31 લોકોએ બોલી લગાવી હતી. આખરે, સુષ્માએ તેને 26.71 લાખમાં ખરીદી હતી. જેમને પણ ત્રણ દિવસમાં સંપૂર્ણ રકમ જમા કરાવવાની રહેશે.
સુધીરની સંપત્તિ અને આવકની તપાસનો આદેશ અપાયો
હરિયાણાના પરિવહન મંત્રી અનિલ વિજે 1.17 કરોડની હરાજી બોલનાર સુધીરની સંપત્તિ અને આવકની તપાસનો આદેશ આપ્યો હતો. જેનું કારણ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે બોલી લગાવવી એ શોખ નથી પણ જવાબદારી છે. તો સામે પક્ષે સુધીરે પૈસા જમા ન કરાવવાનું કારણ ટેકનિકલ સમસ્યા ગણાવી હતી
આ ફેન્સી નંબર સોનીપતના કુંડલી સાથે જોડાયેલો
આ ફેન્સી વીઆઇપી નંબર સોનીપતનાં કુંડલી વિસ્તાર સાથે જોડાયેલો છે. આથી, નંબર બ્લોક કરાવ્યા પછી વાહનનું રજિસ્ટ્રેશન પણ આ જ વિસ્તારમાં કરવું પડશે. આ નંબર સીરિઝમાં ચાર વખત ‘8’ નો સમાવેશ થતો હોવાથી તે ઘણો ખાસ ગણાય છે. તેથી જ, ‘8888’ સીરિઝની માંગણી નંબર પસંદ કરનારા લોકોમાં હંમેશા ઊંચી રહે છે.
આ પણ વાંચો: સંતરાની આડમાં શરાબની હેરાફેરી: કાલોલમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, એકની ધરપકડ
નંબર બજારમાં વધતો ક્રેઝ
વાહન માલિકોમાં આકર્ષક અને ફેન્સી નંબરો પ્રત્યેનું આકર્ષણ સતત વધી રહ્યું છે. ‘0001’, ‘9999’, ‘7777’, અને ‘8888’ જેવી સીરિઝ સૌથી વધુ પસંદ કરવામાં આવતી હોય છે. નિષ્ણાતોના મતે, આ નંબરોને શુભ માનતા ખરીદારો મોટી કિંમત ચૂકવવાથી પણ સહેજ પણ ખચકાતા નથી.










