![]()
NEET Paper Leak: NEET-UG 2026 પરીક્ષામાં થયેલા પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે આકરી પ્રતિક્રિયા આપતા સમગ્ર પરીક્ષા પ્રણાલીને બંધ કરવાની માંગ કરી છે. બીજી તરફ, કેન્દ્રીય એજન્સી CBIએ આ કૌભાંડમાં સંડોવાયેલા વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરીને તપાસ તેજ બનાવી છે.
મુખ્યમંત્રી વિજયનો સવાલ: ‘વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસનું શું?’
તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘વારંવાર થતા પેપર લીકની ઘટનાઓ લાખો વિદ્યાર્થીઓના ડૉક્ટર બનવાના સ્વપ્નને ચકનાચૂર કરી રહી છે. મેડિકલ એડમિશન માટે NEET પરીક્ષા નાબૂદ કરી વિદ્યાર્થીઓને માત્ર 12મા ધોરણના મેરિટ (સ્કોર) ના આધારે પ્રવેશ આપવો જોઈએ. ISROના પૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણન સમિતિએ 95 સૂચનો આપ્યા હોવા છતાં બે વર્ષમાં ફરી પેપર લીક થવું તે અત્યંત આઘાતજનક છે. જો કેન્દ્રીય એજન્સીઓ સુરક્ષિત પરીક્ષા લેવામાં અસમર્થ હોય, તો રાજ્યોને તેમના મેરિટના આધારે બેઠકો ભરવાની મંજૂરી મળવી જોઈએ.’
લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ
વર્ષ 2024માં પણ છ રાજ્યોમાં FIR દાખલ થયા બાદ તપાસ CBIને સોંપાઈ હતી. સતત બીજા વર્ષે આવી ક્ષતિઓ સામે આવતા હવે NEETની વિશ્વસનીયતા સામે મોટા પ્રશ્નાર્થો ઉભા થયા છે. તમિલનાડુ સરકાર લાંબા સમયથી NEETનો વિરોધ કરી રહી છે અને વર્તમાન સ્થિતિએ આ વિરોધને વધુ વેગ આપ્યો છે.
સીબીઆઇના અનેક સ્થળે દરોડા અને પાંચની ધરપકડ
નીટ-યુજીનું પેપર લીક થઇ ગયું છે, જેને પગલે પરીક્ષા જ રદ કરી દેવી પડી હતી. કેન્દ્ર સરકારે આ સમગ્ર મામલો સીબીઆઇને સોંપ્યો હતો, સીબીઆઇ દ્વારા વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ જયપુર, ગુરુગ્રામ, નાસિકથી ઝડપાયા છે. તપાસ હાથમાં લીધા બાદ કેન્દ્રીય એજન્સી સીબીઆઇ દ્વારા દેશભરમાં તપાસ અભિયાન ચલાવાયું છે અને અનેક સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.
સીબીઆઇ દ્વારા જયપુરથી માંગીલાલ બિવાલ, વિકાસ બિવાલ, દિનેશ બિવાલ જ્યારે ગુુરુગ્રામથી યશ યાદવ, નાસિકથી શુભમ ખૈરનરનો સમાવેશ થાય છે. શુભમને નાસિકથી દિલ્હી લાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક મેજિસ્ટ્રેટ દ્વારા શુભમના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.










