![]()
Rahul Gandhi On RSS-BJP : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આયોજિત સંવિધાન સંમેલનમાં રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીની ભૂતકાળની ખામીઓ સ્વીકારવાની સાથે કેન્દ્ર સરકાર અને RSS પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે દલિતો, પછાતો અને આદિવાસીઓની ભાગીદારીના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નીતિઓની આકરી ટીકા કરી છે.
‘જો જવાહરલાલ નેહરુ જીવિત હોત તો…’
રાહુલ ગાંધીએ પક્ષની નબળાઈઓ વિશે ખુલીને વાત કરતા કહ્યું હતું કે, ‘કોંગ્રેસમાં ખામીઓ હતી, એટલા માટે કાંશીરામ સફળ થયા. કોંગ્રેસ જો પોતાનું કામ કરતી હોત તો કાંશીરામ સફળ ન થઈ શક્યા હોત. જો જવાહરલાલ નેહરુ જીવિત હોત તો કાંશીરામ કોંગ્રેસના મુખ્યમંત્રી હોત.’
‘સંવિધાન જેટલી આબાદી તેટલી ભાગીદારીની વાત’
કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા રાહુલે કહ્યું કે, ‘આજે કોઈ પણ મોટી હોસ્પિટલમાં તમને એક પણ દલિત, પછાત કે આદિવાસી ડોક્ટર નહીં મળે. જ્યારે સંવિધાન જેટલી આબાદી તેટલી ભાગીદારીની વાત કરે છે. મનરેગાની યાદી કાઢો, તેમાં તમને 85% પછાત, દલિત, આદિવાસી અને લઘુમતીઓ મળી જશે.’
રાહુલે RSS પર સાધ્યું નિશાન
આરએસએસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ‘આરએસએસના સંગઠનની યાદી કાઢો, જે સિનિયર લોકો છે તેમની યાદીમાં તમને એક પણ ઓબીસી, દલિત કે આદિવાસી નહીં મળે.’ તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘કહેવા માટે અમે કહી દઈશું કે તમે હિન્દુસ્તાની છો, પરંતુ જ્યારે ધન વહેંચવાની વાત આવશે અથવા દેશ ચલાવવાની કે પાવરની વાત આવશે તો તમે હિન્દુસ્તાની નથી. તમે કંઈક બીજું છો. આ સંવિધાનની બિલકુલ વિરુદ્ધ છે.’
આ પણ વાંચો : LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર
રાહુલે પેટ્રોલિયમ મંત્રી પર સાધ્યું નિશાન
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, આંબેડકર, ગાંધી અને કાંશીરામમાં ફરક છે. આંબેડકર, ગાંધી અને કાંશીરામે ક્યારેય કોમ્પ્રોમાઈઝ (સમાધાન) કર્યું નથી. તેઓ કરી જ શકતા નહોતા. તમે મોદીજીનો ચહેરો જુઓ, આ તેમના સંગઠનની જૂની આદત છે. આપણી એનર્જી સિક્યોરિટી કોમ્પ્રોમાઈઝ થઈ ગઈ છે. જેમને ઑઈલ મિનિસ્ટર બનાવ્યા તેઓ પહેલા કોમ્પ્રોમાઈઝ છે.’
‘પછાતો-દલિતોને પાવર સેન્ટરમાં જગ્યા મળશે’
તેલની આયાત બાબતે ગંભીર આક્ષેપ કરતા રાહુલે કહ્યું કે, ‘નરેન્દ્ર મોદીએ દેશની એનર્જી સિક્યોરિટી સાથે સમજૂતી કરી દીધી છે, કારણ કે હવે અમેરિકા નક્કી કરી રહ્યું છે કે આપણે તેલ ક્યાંથી લઈશું? હવે કોંગ્રેસ પાર્ટીએ મન બનાવી લીધું છે કે જાતિગત જનગણના થશે અને પછાતો-દલિતોને પાવર સેન્ટરમાં જગ્યા મળશે.’
આ પણ વાંચો : યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો, જાણો નવો ચાર્જ










