![]()
Gujarat Congress on SIR: હાલ ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR (સ્પેશ્યિલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની પ્રક્રિયા ચાલી રહી છે જે પૂર્ણતાના આરે છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની ચાલી રહેલી SIRની કામગીરીના આંકડા જાહેર કરી 14 ટકા જેટલી વોટ ચોરી થતી હોવાનો સણસણતો આરોપ લગાવ્યો હતો. આ સાથે કોંગ્રેસે એ પણ દાવો કર્યો હતો કે SIRની કામગીરી દરમિયાન 9 BLOનાં મોત થયાં છે એ સિવાય 74 લાખથી વધુ વોટ ચોરી રાજ્યની તમામ ચૂંટણીઓમાં થઈ રહી છે. વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ 14 ડિસેમ્બરે દિલ્હીમાં મહારેલી યોજશે.
‘ચૂંટણીમાં 14% જેટલી વોટચોરી થઈ’: કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું હતું કે ‘રાજ્યભરમાં 60 લાખથી વધારે ખોટા મતદારો હોવાની તા. 30 ઓગસ્ટ, 2025ના રોજ અમારી રજૂઆતને ભાજપ અને ચૂંટણીપંચ સતત નકારી રહ્યા હતા. આજે ખુદ ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે, SIR પ્રક્રિયામાં કુલ 5,08,43,436 મતદારો પૈકી 14.61% એટલે 74 લાખથી વધારે મતદારો હયાત નથી, મૃત્યુ પામેલા છે, ડુપ્લિકેટ છે અથવા સ્થળાંતરિત છે તેવું જાહેર કરીને અમારા મુદ્દાને સાચો સાબિત કર્યું છે. આનો સ્પષ્ટ અર્થ છે કે ગુજરાતમાં 2002થી અત્યાર સુધીની ભાજપ દ્વારા જીતેલી દરેક ચૂંટણીમાં 14% જેટલી વોટચોરી થઈ છે.’
‘9 જેટલા BLOના કરુણ મોત થયા’
વધુમાં ઉમેર્યું હતું કે SIRની પ્રક્રિયામાં તૈયારીના અભાવ, બીએલઓ પર રાજકીય દબાણ અને માનસિક ત્રાસના કારણે રાજ્યમાં 9 જેટલા BLOના કરુણ મોત થયા. તેમ છતાં ચૂંટણી પંચ પોતાની ભૂલો ઢાંકવાની કોશિશમાં છે. બીજી બાજુ વિદેશમાં રહેતા, નાગરિકતા બદલી ચૂકેલા લોકોના મતદારો યાદીમાં યથાવત્ છે, જે ફોર્મ કોઇ બીજા લોકો ભરીને જમા કરાવતા હોવાના સ્પષ્ટ પુરાવા છે. ડુપ્લિકેટ વોટર્સની યાદી જાહેર કરવાની અમારી માંગ આજે પણ અધૂરી છે.’
અખબારી યાદી
તા. ૧૧-૧૨-૨૦૨૫ગુજરાતની મતદારયાદીમાં ચૂંટણી પંચના SIR દ્વારા પ્રાથમિક કમી
કરાયેલા મતદારોના આંકડાઓએ કોંગ્રેસના વોટચોરીના આક્ષેપને સાચો ઠેરવ્યો.•તા. 30 ઓગસ્ટ, 2025 ના રોજ કોંગ્રેસે જાહેર કર્યું હતું કે ગુજરાતમાં 60 લાખ વોટની ચોરી થયેલ છે. ભાજપ અને ચૂંટણી પંચ નકારી… pic.twitter.com/PM8erelerp
— Gujarat Congress (@INCGujarat) December 11, 2025
18 લાખથી વધુના અવસાન: ચૂંટણી પંચ
11 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના 27 જિલ્લામાં 100 ટકા કામગીરી પૂરી થઈ છે. જો કે કેટલાક જિલ્લામાં હજુ સંપૂર્ણ કામગીરી પૂરી થઈ નથી. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ગુજરાતના 40.44 લાખ મતદારોનું કાયમી સ્થળાંતર થઈ ચૂક્યું છે. ગત 27 ઑક્ટોબરથી રાજ્યભરમાં શરુ કરાયેલી સર(સ્પેશ્યિલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી અંતર્ગત ગણતરીનો તબક્કો 14 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કુલ વિતરણ થયેલા 5,08,43,291 ફોર્મ પૈકી માત્ર 1877 ફોર્મ હવે મળવાના એટલે કે પરત આવવાના બાકી છે. આમ ગણતરીના તબક્કાની 99.99 ટકા કામગીરી પૂરી થઈ છે. અત્યાર સુધીની કામગીરીમાં 18 લાખથી વધુ મતદારો અવસાન પામ્યા હોવાનું અને મતદાર યાદીમાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે 10.26 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર હતા. 40.44 લાખથી વધુ મતદારોનું કામયી સ્થળાંતર થઈ ચૂક્યું છે. જ્યારે 3.37 લાખ લાખથી વધુ મતદારો રિપીટેડ એટલે કે બે જગ્યાએ નોંધાયેલા હોવાનું ઘ્યાને આવ્યું છે.
ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની મુદત લંબાવાઈ
આજે 11 ડિસેમ્બર ચૂંટણી પંચે ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત કુલ છ રાજ્યોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા માટે સમયમર્યાદા લંબાવી દીધી છે. મુખ્ય ચૂંટણી અધિકારીઓ તરફથી મળેલી વિનંતીઓ બાદ, EC એ તમિલનાડુ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને આંદામાન નિકોબાર ટાપુઓ માટે SIRનું સુધારેલું શેડ્યુલ જાહેર કર્યું છે. હવે ગુજરાતમાં SIR ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બરથી લંબાવીને 14 ડિસેમ્બર કરવામાં આવી છે. જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવાની તારીખ 16 ડિસેમ્બરને બદલે 19 ડિસેમ્બર કરવામાં આવી છે.
ગુજરાત, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આંદામાન નિકોબાર ટાપુ, ઉત્તર પ્રદેશમાં અગાઉ ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર જ્યારે ડ્રાફ્ટ યાદી રજૂ કરવાની તારીખ 16 ડિસેમ્બર હતી. જોકે હવે જુદા જુદા રાજ્યો માટે જરૂરિયાત મુજબ જુદી જુદી તારીખ નક્કી કરવામાં આવી છે.










