![]()
Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના બલિયામાં ભાજપ નેતા મુન્ના બહાદુર સિંહ દ્વારા ઓફિસમાં ઘૂસીને વીજળી વિભાગના એન્જિનિયરને માર મારવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. રવિવારે (24મી ઓગસ્ટ) જ્યારે પોલીસ તેમને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ ગઈ ત્યારે ત્યાં હોબાળો મચી ગયો. મુન્ના બહાદુરે પોલીસ વાહનમાં બેસવાનો ઇનકાર કર્યો હતો અને તેમના સમર્થકોએ પણ સ્થળ પર હોબાળો મચાવ્યો હતો. જોકે, પોલીસકર્મીઓ ભાજપ નેતાને ઢસડીને વાહનમાં બેસાડ્યો હતો.
પોલીસ અને ભાજપ સમર્થકો વચ્ચે ઝપાઝપી
અહેવાલો અનુસાર, ભાજપ નેતા મુન્ના બહાદુરને પોલીસે એન્જિનિયરને માર મારવાના આરોપસર અટકાયતમાં લીધા હતા, તેને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તબીબી તપાસ પછી પોલીસે તેમને પાછા પોલીસના વાહનમાં બેસાડવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેણે વિરોધ કર્યો હતો અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ત્યાં પહોંચી ગયા અને પોલીસ સામે ઝપાઝપી કરીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આવી સ્થિતિમાં પોલીસે મુન્ના બહાદુરને બળજબરીથી કાર સુધી ખેંચી જવો પડ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
આખો વિવાદ શનિવારે (23મી ઓગસ્ટ) વીજળી કાપની ફરિયાદને લઈને શરૂ થયો હતો. ભાજપ નેતા મુન્ના બહાદુર વીજ વિભાગના ઇજનેર શ્રીલાલ સિંહની ઓફિસ પહોંચ્યા હતા. વાતચીત દરમિયાન, બંને વચ્ચે દલીલ થઈ અને મુન્નાએ ઇજનેરને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
આ પણ વાંચો: બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ટક્કર, 8 મોત, 43 ઈજાગ્રસ્ત
એન્જિનિયર શ્રીલાલ સિંહે આરોપ લગાવ્યો કે, ‘મુન્ના બહાદુરે જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરીને મારા પર હુમલો કર્યો.’ જો કે, મુન્ના બહાદુરે આરોપ લગાવ્યો કે એન્જિનિયરે મારા કામદારો સાથે ગેરવર્તન કર્યું અને કામદારોએ તેમના પર હુમલો કર્યો.’










