![]()
વડોદરા,નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ પર દારૃની પાર્ટી કરવા માટે યુવકને બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ જૂના ઝઘડાની અદાવતે તેના પર ખંજરનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને નજરે જોનાર સાક્ષીઓના મેજિસ્ટ્રેટ રૃબરૃ નિવેદન લેવામાં આવશે. જોકે, મૃતકની પત્નીએ કરેલી દારૃની પાર્ટીની વાતનો હજી કોઇ ખુલાસો થયો નથી.
નવા વર્ષની આગલી રાતે અક્ષય તેના મિત્ર સન્ની સાથે મિત્રોને મળવા માટે નારાયણધામ સોસાયટી તરફ ગયો હતો. તેઓ ગલ્લા નજીક બાઇક પાર્ક કરતા હતા. તે દરમિયાન ગલ્લા પર હાજર દેવેન્દ્ર ઉર્ફે રાજાએ ખંજર વડે અક્ષયના છાતીના ભાગે એક ઘા મારી દેતા અક્ષય લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી આરોપી દેવેન્દ્ર ઉર્ફે રાજાની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ મૃતકની પત્નીએ આક્રોશ ઠાલવતા કહ્યું કહ્યું હતું કે, મારા પતિને દારૃની પાર્ટી કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. મારા પતિએ ત્યાં પહોંચ્યા પછી મને વીડિયો કોલ પણ કર્યો હતો. તેમણે દેવેન્દ્ર ઉર્ફે રાજા, કુનાલ, રવિ અને સરદારજી નામના વ્યક્તિઓ સામે પણ શંકા વ્યક્ત કરી હતી. પરંતુ, બાપોદ પોલીસે આ શંકા ખોટી હોવાનું જણાવ્યું છે. બાપોદ પી.આઇ. એમ.કે. ગુર્જરે જણાવ્યું છે કે, સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ નંબરના સી.ડી.આર.ની ચકાસણી દરમિયાન હત્યાની ઘટનામાં માત્ર એક જ આરોપી હોવાનું બહાર આવ્યું છે. અન્ય આરોપી હોવાની વાતને સમર્થન મળતું નથી. હત્યાની ઘટનાને નજરે જોનાર બે સાક્ષીઓ પણ મળ્યા છે.










