![]()
SK Langa Bail Denied: ગાંધીનગરમાં કલેક્ટર તરીકે સેવા આપી ચૂકેલા નિવૃત્ત સનદી અધિકારી શંકરદાન કેશુભાઈ લાંગાની આવક કરતા 203.40 ટકા વધુ સંપત્તિના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી એસ.કે.લાંગાને રેગ્યુલર જામીન આપવાનો સાફ ઈનકાર કરી દીધો છે. ગ્રામ્ય કોર્ટે એસ.કે.લાંગાની જામીન અરજી ફગાવતાં નોંધ્યું હતું કે, આરોપી આઇએએસ અધિકારી હતી અને ગાંધીનગરમાં કલેકટર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે રાજય સેવક તરીકેની તેમની ફરજ અને હોદ્દાનો દૂરૂપયોગ કરીને ગેરકાયદે રીતે પોતાના તથા પોતાના પુત્રના નામે અપ્રમાણસર મિલકતો વસાવી છે. આરોપીએ પોતાની પત્ની અને પુત્રના ખાતામાં મોટી રકમો પણ ટ્રાન્સફર કરી હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
આ પણ વાંચોઃ પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું નિધન, લાતૂરથી 7 વખત સાંસદ બન્યા હતા
આવકની સરખામણીમાં 203.40 ટકા જેટલી વધુ મિલકત
વધુમાં કોર્ટે જણાવ્યું હતું કે, તપાસમાં એવી હકીકત પણ સામે આવી છે કે, તેમની કાયદેસર આવક કુલ રૂ.5,87,939 5,87ની સામે તેમનો ખર્ચ અને રોકાણ રૂ.17,59,74,682 છે. આ મિલકત તેમની કાયદેસરની આવકની સરખામણીમાં 203.40 ટકા જેટલી વધુ હોવાનું જણાયું છે. આ મામલે આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ પણ દાખલ થઈ છે, પરંતુ માત્ર ચાર્જશીટ દાખલ થવાથી સંજોગો બદલાયા હોય કે ગુનામાં ઘટાડો થયો હોય તેવું કહી શકાય નહીં. અરજદાર સામે આ સિવાય અન્ય ચાર ગુનાઓ પણ નોંધાયેલા છે, જે જોતા તે ગુનાઈત માનસ ધરાવતા હોવાનું જણાય છે. આવા ગંભીર પ્રકારના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો સમાજ ઉપર તેની અવળી અસર પડે અને સમાજમાં કાયદાનો કોઈ ડર રહેશે નહીં.
ભ્રષ્ટાચારનો આરોપ
અપ્રમાણસર મિલકતના કેસમાં પૂર્વ આઈએએસ અધિકારી શંકરદાન લાંગા સામે અમદાવાદ શહેરના એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ આંધ્રપ્રદેશના ચિંટુરુમાં ગમખ્વાર અકસ્માત, બસ ખીણમાં ખાબકી, 9ના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત
કોર્ટમાં દાખલ કરી જામીન અરજી
આ કેસમાં ચાર્જશીટ થયા બાદ એસ.કે.લાંગાએ રેગ્યુલર જામીન માટે અરજી કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, જામીન આપવાની સત્તા છે તેથી કોર્ટે જામીન પર મુક્ત કરવા જોઈએ. જો કે, સરકારપક્ષ તરફથી સ્પેશ્યલ પબ્લિક પ્રોસિકયુટર અમિત એમ. નાયર લાંગાની જામીન અરજીનો સખત વિરોધ કરતાં જણાવ્યું હતું કે, હાલના આરોપી ભૂતકાળમાં આઈએએસ અધિકારી હતા અને ગાંધીનગરમાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે આરોપીએ રાજયસેવક તરીકેની ફરજ દરમિયાન હોદાનો દુરૂપયોગ કરી ગેરકાયદે રીતે નાણાં મેળવ્યા છે. આરોપી વિરૂદ્ધ આ નાણાંનું રોકાણ પોતાના તથા પુત્રના નામે સ્થાવર તેમજ જંગમ મિલકતોમાં કરીને અપ્રમાણસર સંપત્તિ વસાવ્યાનો ગંભીર આરોપ છે.
જામીન અરજી ફગાવી
આરોપીએ પોતાની પત્ની અને પુત્રના ખાતામાં મોટી રકમો ટ્રાન્સફર કરેલી છે. આરોપીએ મિલકત તેમની કાયદેસરની આવકની સરખામણીમાં 203.40 ટકા જેટલી વધુ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવ્યું છે. આ દસ્તાવેજી પુરાવાઓના આધારે આરોપી સામે સીધો અને સ્પષ્ટ કેસ છે. આક્ષેપિત ગુનાની ગંભીરતા ધ્યાને લેતા, કોર્ટે આરોપી એસ.કે.લાંગાને કોઈપણ સંજોગોમાં જામીન આપવા જોઈએ નહીં. આ દલીલો ગ્રાહ્ય રાખીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પૂર્વ આઇપીએસ અને ગાંધીનગર પૂર્વ કલેકટર એવા એસ.કે.લાંગાના જામીન ધરાર ફગાવી દીધા હતા.










