![]()
સેન્ટર પોઈન્ટ પાસે વ્હેલની ઊલટી સાથે આંટાફેરા કરતા હતા : એમ્બરગ્રીસનો જથ્થો કયાંથી મેળવ્યો અને કોને વેચવાનો હતો તેની તપાસ માટે બંને આરોપીને અદાલતમાં રજૂ કરતાં સોમવાર સુધીના રિમાન્ડ
અમરેલી, : અમરેલી એલસીબી પોલીસે બાતમીના આધારે વ્હેલ માછલીની ઉલટી સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. આ વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ)નું વજન 2,910 ગ્રામ જેટલુ થાય છે. જેની બજાર કિંમત રૂ. 2.91 કરોડ જેટલી થતી હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીની ધરપકડ થયા બાદ એમ્બરગ્રીસનું પગેરૂ મેળવવા તેમજ વિસ્તૃત તપાસ માટે અદાલતમાં રજૂ કરતાં સોમવાર સુધીના રિમાન્ડ અદાલતે મંજુર કર્યા છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીને વનવિભાગ હસ્તક કરી દીધા, અમરેલી શહેરમાં આવેલા સેન્ટર પોઈન્ટ પાસે બે શંકાસ્પદ ઈસમો આંટાફેરા કરતા હોવાથી પોલીસે બંને શખ્સોની પુછપરછ કરી હતી જેમાં બંને શખ્સો પાસેથી એમ્બરગ્રીસનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે આ શખ્સોની પુછપરછ કરતાં પોતાનું નામ કીશન ભુપત બારૈયા અને દિનેશ સડા ડોળાસીયા (રહે. બંને જુના રાજપરા, તા. તળાજા) હોવાનું જણાવ્યું હતુ. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી તેમની પાસે એમ્બરગ્રીસનો જથ્થો 2,910 કિલોગ્રામ અને તેની બજાર કિંમત રૂ. 2.91 કરોડ હોવાનું જાણવા મળ્યુ છે.
અમરેલી એલસીબી પોલીસે એમ્બરગ્રીસના જથ્થા સાથે પકડેલા આરોપીઓને વન વિભાગના અધિકારીને સોંપી દીધા છે. જેથી વન અધિકારી જયોતિબેન ખાખસ દ્વારા આ એમ્બરગ્રીસનો જથ્થો કોને આપવાનો હતો અને અમરેલી આવવાનું કારણ શુ? સહિતની બાબતો માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.










