![]()
Jammu and Kashmir News : જમ્મુ-કાશ્મીરમાં શાસન કોણ ચલાવી રહ્યું છે, તે જ એક મોટો સવાલ બની ગયો છે. એક તરફ સરકારી એજન્સી JDA એક મુસ્લિમ પત્રકારના પિતાનું ઘર તોડી પાડે છે, અને બીજી તરફ, સરકારના નાયબ મુખ્યમંત્રી પોતે જ ઘટનાસ્થળે પહોંચીને પૂછી રહ્યા છે કે, “આ આદેશ કોણે આપ્યો?” આ વિચિત્ર ઘટનાએ રાજ્યના શાસનમાં ચાલી રહેલી અંધાધૂંધી અને આંતરિક ખેંચતાણને છતી કરી દીધી છે. જ્યારે સીએમ ઓમર અબ્દુલ્લાહે પણ કહ્યું હતું કે રાજભવનના અધિકારીઓએ ચૂંટાયેલી સરકારની મંજૂરી લીધા વિના જ આ કાર્યવાહી કરી નાખી હતી. આનો અર્થ એ છે કે ચૂંટાયેલી સરકારને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. અમારા વિભાગમાં ફિલ્ડ સ્ટાફને તહેનાત કરવાની અમને મંજૂરી મળવી જોઈએ. ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ તો ચૂંટાયેલી સરકારના હોવા જોઈએ.
શું છે ઘટના?
આ નાટકની શરૂઆત ગુરુવારે થઈ, જ્યારે જમ્મુ ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) એ પત્રકાર અરફજ ડેંગના પિતા ગુલામ કાદિર ડેંગનું મકાન તોડી પાડ્યું. ત્યારબાદ શનિવારે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી પીડિત પરિવારને મળવા પહોંચ્યા અને આ કાર્યવાહીને “પસંદગીયુક્ત અને બદલાની ભાવનાથી પ્રેરાયેલી” ગણાવી. તેમણે પોતાના જ શાસન હેઠળ થયેલી કાર્યવાહી પર હાથ અધ્ધર કરી દીધા અને દોષનો ટોપલો સીધો જ ઉપરાજ્યપાલ (LG) મનોજ સિન્હા પર ઢોળી દીધો.
ડેપ્યુટી સીએમનું ચોંકાવનારું નિવેદન
ચૌધરીએ મીડિયા સામે સવાલ ઉઠાવ્યો, “ચૂંટાયેલી સરકારે તો કોઈ આદેશ આપ્યો નથી. પોલીસ, જેણે આ તોડફોડમાં મદદ કરી, તે તમારી (LGની) હતી. JDAના ઉપાધ્યક્ષ પણ તમારા દ્વારા નિયુક્ત કરાયેલા છે. જો તમે કહો છો કે આ તમારા આદેશ પર નથી થયું, તો પછી આ અધિકારીઓની મુખ્યમંત્રી કે LGને પૂછ્યા વગર આવું કરવાની હિંમત કેવી રીતે થઈ?” જાણે કે સરકાર પોતે જ પૂછી રહી હોય કે ‘અમારી ગાડી કોણ ચલાવી રહ્યું છે?’
એકબીજા પર દોષના ટોપલા
આટલેથી ન અટકતાં, તેમણે ભાજપના નેતા રવિન્દર રૈનાના કથિત દાવાને પણ વચ્ચે લાવીને તેમના કોલ ડેટા રેકોર્ડની તપાસની માંગ કરી દીધી, જેથી ‘સત્ય’ બહાર આવી શકે. એક તરફ JDA દાવો કરે છે કે આ અતિક્રમણ હટાવવાની ઝુંબેશ હતી, તો બીજી તરફ પીડિત પરિવાર કહે છે કે તેઓ ચાર દાયકાથી ત્યાં રહે છે અને તેમને કોઈ નોટિસ પણ નહોતી મળી. આ બધાની વચ્ચે, નાયબ મુખ્યમંત્રીએ ખાતરી આપી કે “ચૂંટાયેલી સરકાર ન તો કમજોર છે કે ન તો લાચાર,” ભલે પછી તેમની જ એજન્સીઓ તેમના કહ્યામાં ન હોય. આ સમગ્ર ઘટનાએ એક ગંભીર પ્રશ્ન ઉભો કર્યો છે કે જ્યારે શાસનના જ બે મુખ્ય કેન્દ્રો (ચૂંટાયેલી સરકાર અને LG કાર્યાલય) એકબીજા પર દોષારોપણ કરી રહ્યા હોય, ત્યારે જનતા કોના ભરોસે રહેશે?










