![]()
– વિરમગામ પાલિકાના ઉપપ્રમુખના વોર્ડમાં આવેલી
– તંત્રને વારંવાર રજૂઆત છતાં સમસ્યા અધ્ધરતાલ : 3 વર્ષ જુની સમસ્યા દસ દિવસમાં નહીં ઉકેલાય તો રહીશોની આંદોલનની ચીમકી
વિરમગામ : વિરમગામ-અમદાવાદ હાઈવે પર આવેલી અલબદર પાર્ક, મોહમ્મદી સોસાયટી, અલફતે સોસાયટી વિસ્તારમાં ૩૦૦થી વધુ પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત થી ઉભરાતી ગટર દૂષિત પાણી ગંદકીના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ત્યારે દસ દિવસમાં સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની વિસ્તારના રહીશો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખના વિસ્તાર વોર્ડ નં-૯માં અલ બદર પાર્ક, મોહમ્મદી સોસાયટી અને અલ ફતે સોસાયટી આવેલી છે. જેમાં ૩૦૦થી વધુ પરિવારો રહે છે. તેમજ આ વિસ્તારમાં સ્કૂલ, આંગણવાડી, મદ્રેસા, મસ્જિદ આવેલી છે. આ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત દૂષિત પાણી, ગંદકીથી સ્થાનિક રહીશો, સ્કૂલે જતા વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. દૂષિત ગટરના ગંદા પાણી રસ્તા ઉપર, સ્કૂલ, મસ્જિદ આગળ પહોંચી જાય છે. આ ગંભીર સમસ્યા બાબતે સ્થાનિક રહીશોએ પાલિકા તંત્રમાં અનેકવાર રજૂઆત કરી છે તેમ છતાં આજદિન સુધી પાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમીનો ઉકેલ લાવી શક્યું નથી. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ પાલિકા તંત્રમાંથી ઉભરાતી ગટર સમસ્યા બાબતે ભૂતકાળમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ થોડા દિવસ પછી પરિસ્થિત ઠેરની ઠેર જોવા મળે છે. માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારતા આ ગટરોના પાણીથી સ્થાનિક વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. તેમજ પાલિકા તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં નહીં આવે તો આ વિસ્તારમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દેહશત સેવાઇ રહી છે.










