![]()
મુંબઈ : હાલમાં યુદ્ધને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી પેટ્રોલમાં ઈથેનોલ બ્લેન્ડિંગની ટકાવારી વધારવા ઈન્ડિયન સુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેકચરર્સ એસોસિએશને સરકારને અનુરોધ કર્યો છે.
દેશમાં ઈથેનોલ મિકસ કરવાના કાર્યક્રમમાં ઝડપ લાવી તેને ૨૭ ટકા સુધી પહોંચાડવા પર એસોસિએશન વતિ અનુરોધ કરવામાં આવ્યો છે.
વૈશ્વિક ઊર્જા બજાર અનિશ્ચિત બની ગઈ છે ત્યારે ઘરઆંગણે બાયોફ્યુઅલનો વપરાશ વધારવાનું આર્થિક તથા વ્યૂહાત્મક રીતે જરૂરી બની ગયું છે.
ભારતનું ઈથેનોલ ક્ષેત્ર મજબૂત સ્થિતિમાં હોવાનું ધ્યાનમાં રાખી ઈથેનોલના બ્લેન્ડિંગ કાર્યક્રમને ઝડપી બનાવી તેને ૨૦ ટકાની ઉપર લઈ જવાની હાલમાં તક છે. પોતાની ક્રુડ તેલની આવશ્યકતામાંથી ભારત ૮૫ ટકા જરૂરિયાત આયાત મારફત પૂરી કરે છે, ત્યારે હાલની વૈશ્વિક અનિશ્ચિતતા અને ક્રુડ તેલના પૂરવઠામાં પડેલી ખલેલ સામે ભારત નબળુ પૂરવાર થઈ રહ્યું છે.
ક્રુડ તેલના ભાવમાં પ્રતિ બેરલ એક ડોલરના વધારાથી ભારતના ક્રુડ આયાત બિલમાં વાર્ષિક બે અબજ ડોલરનો વધારો થાય છે, જે ફુગાવા, લોજિસ્ટિક ખર્ચ તથા રાજકોષિય સમતુલા પર દબાણ લાવે છે એમ એસોસિએશન વતિ જણાવાયું હતું.
છેલ્લા પંદર દિવસમાં યુદ્ધને કારણે ક્રુડ તેલના ભાવમાં ૪૦ ટકા જેટલો વધારો થયો છે. આવી સ્થિતિમાં ઊર્જાના બહારી આંચકા સામે સલામતિ ઊભી કરવા ઘરઆંગણેના બાયોફ્યુઅલ્સનો વપરાશ વધે તે જરૂરી છે.
ભારત પાસે હાલમાં ખાંડ તથા અનાજ આધારિત ૨૦ અબજ લિટર જેટલી ઈથેનોલ ડિસ્ટિલેશન ક્ષમતા છે. હાલમાં વીસ ટકા બ્લેન્ડિંગ કાર્યક્રમમા ૧૧ અબજ લિટરનો વપરાશ થાય છે, જે સ્થાપિત ક્ષમતાના ૫૫ ટકા જેટલો છે.










