![]()
Uttarvahini Panchkoshi Narmada Parikrama: ભારતીય સંસ્કૃતિમાં આસ્થા અને સાધનાનું કેન્દ્ર ગણાતી ‘ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા’નો આવતીકાલે ગુરુવારે(19 માર્ચ 2026) ચૈત્ર સુદ એકમથી વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. એક મહિના સુધી ચાલનારી આ આસ્થાની યાત્રા 18 એપ્રિલ 2026(ચૈત્ર વદ અમાસ)ના રોજ પૂર્ણ થશે. આ વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને જોતાં 18 કિમીના પરિક્રમા માર્ગ પર સુરક્ષા અને સુવિધાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.
રૂ.10 કરોડના ખર્ચે આધુનિક માળખું
યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે હંગામી અને કાયમી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જેમા રહેવા અને વિશ્રામ માટે વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં ખાટલા, ગાદલા, ઓશીકા અને બેડશીટ સાથેની બેઠક વ્યવસ્થા.
આ પણ વાંચો: ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026: શ્રદ્ધાળુઓ માટે ફ્રી ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
મહિલાઓ અને પુરુષો માટે અલગ શૌચાલય, મોબાઇલ ટૉયલેટ વાન, સ્નાનગૃહ અને ચેન્જિંગ રૂમ. શ્રદ્ધાળુઓનો સામાન રાખવા માટે ક્લોક રૂમ, સતત પાણી પુરવઠો અને માર્ગ પર જરૂરી ચીજવસ્તુઓ માટે સેવા કેન્દ્રોની વ્યવસ્થા કરાઈ છે.
સુરક્ષા માટે RFID અને IR ટૅક્નોલૉજીનો ઉપયોગ
ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા આધુનિક ટૅક્નોલૉજીનો આશરો લેવાયો છે. હેડ કાઉન્ટ સિસ્ટમથી ઇન્ફ્રારેડ (IR) અને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) દ્વારા યાત્રાળુઓની સંખ્યા અને અવર-જવર પર સતત નજર રખાશે. સમગ્ર 18 કિમીના માર્ગ અને તમામ ઘાટ પર LED અને ફ્લડ લાઇટ લગાડવામાં આવી છે, જેથી રાત્રિ દરમિયાન પણ યાત્રા સુગમ રહે. સીસીટીવી કેમેરા, વૉચ ટાવર અને વાયરલેસ કોમ્યુનિકેશન દ્વારા કંટ્રોલ રૂમમાંથી સમગ્ર વિસ્તારનું મોનિટરિંગ કરવામાં આવશે.
આ પણ વાંચો: નર્મદા: ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા માટે ગોવાથી 18 હાઈટેક બોટ મંગાવાઈ, રેંગણથી રામપુરા વચ્ચે ભક્તોને મળશે સુવિધા
આરોગ્ય અને કટોકટી સેવાઓ
શ્રદ્ધાળુઓ માટે માર્ગમાં મેડિકલ યુનિટ્સ અને 24×7 એમ્બ્યુલન્સ તહેનાત રહેશે. આ ઉપરાંત, કોઈપણ આકસ્મિક સ્થિતિમાં મદદ માટે ખાસ ‘ઇમરજન્સી હેલ્પ પોઇન્ટ’ ઊભા કરવામાં આવ્યા છે. પરિક્રમા ક્ષેત્રને સ્વચ્છ રાખવા માટે હાઉસકીપિંગની ટીમો દિવસ-રાત અલગ-અલગ શિફ્ટમાં કાર્યરત રહેશે.










