![]()
Bank Employee Urinates On Youth’s Face In UP: ઉત્તર પ્રદેશના આઝમગઢમાંથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શહેરના કોતવાલી વિસ્તારના રૈડોપુર વિસ્તારમાં એક બેન્કકર્મીએ તેના પાડોશીના ચહેરા પર પેશાબ કર્યો છે. આ ઘૃણાસ્પદ કાંડનો 11 સેકન્ડનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, યુવક નશાની હાલતમાં જમીન પર લાચારીથી પડેલો છે, જ્યારે આરોપી બેખોફ થઈને તેના ચહેરા પર પેશાબ કરી રહ્યો છે. પોલીસે વીડિયોને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરીને બેંક કર્મચારીની ધરપકડ કરી લીધી છે.
વીડિયો લગભગ એક વર્ષ જૂનો છે
આરોપી સાહિલ કુમાર મઉ જિલ્લામાં એક બેન્કમાં કર્મચારી છે અને રૈડોપુરમાં LIC નંબર-2 ઓફિસની બિલ્ડિંગ પાછળ રહે છે. પીડિત તેનો પાડોશી અને નજીકનો મિત્ર હોવાની માહિતી મળી રહી છે. બંને નાશાના આદિ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો લગભગ એક વર્ષ જૂનો છે પરંતુ તે હવે વાઈરલ થયો છે. કદાચ જૂની અદાવત અથવા નશાની મહેફિલમાં થયેલું આ કૃત્ય હવે સોશિયલ મીડિયાના કારણે જાહેર થઈ ગઈ છે. વીડિયો વાઈરલ થતાંની સાથે જ વિસ્તારમાં સનસની મચી ગઈ છે. લોકો રોષે ભરાયા છે અને સોશિયલ મીડિયા પર #AzamgarhPeshabKand જેવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે.
આરોપીની ધરપકડ
પોલીસે આ વીડિયોને ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી. શહેરના પોલીસ અધિક્ષક શુભમ ટોડીએ જણાવ્યું કે, વાઈરલ વીડિયોના આધારે અમે તાત્કાલિક રિપોર્ટ દાખલ કર્યો છે. આરોપી સાહિલ કુમારની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી અને પીડિત વચ્ચે કોઈ જૂની દુશ્મનાવટ નહોતી, પરંતુ દારૂના નશામાં આ શરમજનક હરકત કરી હતી. પીડિત યુવકે હજુ સુધી ઔપચારિક ફરિયાદ નથી નોંધાવી, પરંતુ પોલીસે સ્વત: સંજ્ઞાન લીધુ છે.
આ પણ વાંચો: યુએઈએ ભારત સાથે દગો કર્યો! મહાદેવ એપ કૌભાંડના આરોપીને છોડ્યો અને ક્યાં ગયો એ પણ ન જણાવ્યું
અગાઉ પણ આ પ્રકારના અનેક કિસ્સા સામે આવ્યા છે
છેલ્લા કેટલાક સમયમાં સીધી (મધ્યપ્રદેશ)થી લઈને આગ્રા, મેરઠ અને સોનભદ્ર સુધી આવા ઘણા કિસ્સાઓ ચર્ચામાં આવ્યા છે, જ્યાં લોકોએ નશો અથવા દબંગગીરીમાં લોકોએ બીજા પર પેશાબ કર્યો છે અને વીડિયો પણ વાઈરલ કર્યા છે. આઝમગઢની ઘટનામાં સ્થાનિક લોકો આરોપીઓ સામે શક્ય તેટલી કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે, જેથી આવી હરકત અન્ય કોઈ ન કરે. આનાથી સમાજને સંદેશ જશે કે નશાની આડમાં કોઈપણ ગુનો સાંખી લેવામાં આવશે નહીં. પીડિત યુવકના પરિવારે હાલમાં મૌન સેવ્યું છે.










