![]()
વડોદરા, તા.13 મધ્યપ્રદેશથી નંદેસરી ખાતે લઇ જવાતો બીયરનો જથ્થો ભરેલી કાર નિમેટા પાસે જિલ્લા પોલીસે ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી.
ગોલ્ડન કલરની એક કારમાં દારૃનો જથ્થો ભરીને આ કાર સાંકરીયાથી નિમેટા તરફ આવી રહી છે તેવી બાતમીના આધારે એલસીબીના સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. માહિતી મુજબની કાર આવતા તેને કોર્ડન કરીને રોકી સાઇડ પર લઇ તપાસ કરતાં પાછળની સીટ તેમજ ડીકીમાં બીયરનો મોટો જથ્થો જણાયો હતો.
પોલીસે રૃા.૩.૯૮ લાખ કિંમતની બીયરની ૧૨૩૬ બોટલો તેમજ કાર મળી કુલ રૃા.૪.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને કારમાં બેસેલ બે વ્યક્તિ ડેનીશ રમેશભાઇ પોદાર (રહે.માધવનગર) તેમજ બિપીન કમલેશ ભાલીયા (રહે.દત્તનગર, આજવારોડ)ની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં બંનેએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના માડલીપઠ્ઠા ખાતે શર્મા નામની વ્યક્તિ પાસેથી બીયરનો જથ્થો લઇને નંદેસરી ખાતે અલ્પેશ ગોહિલને આપવા જતા હતાં. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










