![]()
મુંબઈ : ઓનલાઈન સટ્ટાની ગેમ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ ધરાવતો ખરડો લોકસભામાં તથા રાજ્યસભામાં પસાર થઈ ગયો છે ત્યારે આ રિઅલ મની ગેમિંગ (આરએમજી) કંપનીઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારોએ કરેલા જંગી રોકાણ જોખમમાં મુકાઈ ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ૨૦૨૦થી ૨૦૨૪ના પાંચ વર્ષના ગાળામાં રોકાણકારોએ આરએમજીમાં અંદાજે એક અબજ ડોલર જેટલું રોકાણ કર્યું છે જે હવે જોખમમાં મુકાઈ ગયું છે.
૨૦૨૦માં આ ક્ષેત્રએ ૧૩.૫૪ કરોડ ડોલરનું ભંડોળ પ્રાપ્ત કર્યું હતું જે ૨૦૨૧માં ત્રણ ગણું વધી ૪૫ કરોડ ડોલર જોવા મળ્યું હતું. જો કે ત્યારબાદ ૨૦૨૨માં ભંડોળ પ્રાપ્ત થવાની માત્રા ઘટી ૩૩.૨૦ કરોડ ડોલર, ૨૦૨૩માં ૨.૦૬ કરોડ ડોલર તથા ૨૦૨૪માં ૧.૯૫ કરોડ ડોલર પર આવી ગઈ હતી. છેલ્લા ચાર-પાંચ વર્ષમાં ગેમિંગ કંપનીઓએ જંગી માત્રામાં ભંડોળ પ્રાપ્ત કર્યું હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
આરએમજી એક એવી ગેમ છે જેમાં વપરાશકારો નાણાંકીય વળતર માટે સ્કીલ આધારિત રમતોમાં ભાગ લે છે. માટે આ ખરડો ગેમિંગ કંપનીઓ અને વપરાશકારો બન્નેને સીધી રીતે અસર કરતો હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ આ ખરડો પસાર થઈ જતા આરએમજીમાં રોકાણ કરનારી કંપનીઓના ઈન્વેસ્ટમેન્ટ જોખમમાં મુકાઈ ગયા છે.
દરમિયાન સૂચિત પ્રતિબંધની અન્ય એક અસર ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ્સ પર પણ પડશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ઓનલાઈન સટ્ટાની ગેમ પર સૂચિત પ્રતિબંધથી પેમેન્ટ કંપનીઓ જેઓ પોતાના પ્લેટફોર્મ્સ મારફત વ્યવહારની સવલત પૂરી પાડે છે તેમને આવકમાં મોટો ફટકો પડવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.
પેમેન્ટ કંપનીઓની આવકમાં ગેમિંગ ઉદ્યોગનો હિસ્સો ૧૦ ટકા જેટલો છે ત્યારે દેશમાં ઓનલાઈન સટ્ટાની ગેમના કદને જોતા પેમેન્ટ કંપનીઓને મોટો માર પડશે એમ એક પેમેન્ટ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું. મોટી પેમેન્ટ કંપનીઓ ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગમાં મોટો વેપાર ધરાવે છે.










