![]()
વડોદરા, તા.22 ગુજરાતના સૌથી મોટા વડોદરાના સાર્વજનિક પુસ્તકાલય એવી શહેરની મધ્યમાં આવેલી સેન્ટ્રલ લાઇબ્રેરીમાં વાચકોની સંખ્યા જ નહી પરંતુ પુસ્તકોની લેવડદેવડની સંખ્યા પણ સતત વધતી જાય છે. ડિજિટલ યુગમાં પણ પુસ્તકો પ્રત્યેનો પ્રેમ માત્ર જૂની પેઢી જ નહી પરંતુ નવી પેઢીમાં પણ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાના દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા વિદેશના શિક્ષણશાત્રીઓની દેખરેખ હેઠળ સેન્ટ્રલ લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે જેનો લાભ હાલ માત્ર વડોદરા જ નહી પરંતુ મધ્ય ઉપરાંત દક્ષિણ ગુજરાતના લોકો પણ લઇ રહ્યા છે. ગ્રંથાલય વર્ગીકરણ પધ્ધતિના પ્રણેતા મેલ્વીલ ડયૂઈએ અમેરિકામાં શરૃ કરેલ ગ્રંથાયલ શાસ્ત્રની તાલીમ સ્કૂલના શિષ્ય વિલિયમ એલીસન્સ બોર્ડનની ત્રણ વર્ષના કરાર આધારિત નિમણૂંક કરીને સયાજીરાવે તેમને વડોદરા બોલાવી લાઇબ્રેરી તૈયાર કરાવી હતી જેને ૧૦૦ વર્ષ ઉપરાંતનો સમય થયો છે.
સેન્ટ્રલ લાઇબ્રેરીનું ગ્રંથાલય ભવન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના વોશિંગ્ટન સ્થિત લાઇબ્રેરી ઓફ કોંગ્રેસના ગ્રંથાલય ભવનની ડિઝાઇન પર આધારિત અને સ્થાપત્યકલા પર તૈયાર કરાયું છે.
સ્ટીલ રેક્સ વચ્ચે બેલ્જિયમ ગ્લાસ પ્લેટ્સ ફીટ કરી હોવાથી કાચના ફ્લોરિંગ પર ચાલવાનો લ્હાવો સેન્ટ્રલ લાઇબ્રેરીમાં થાય છે. એટલા માટે આ લાઇબ્રેરીને કાચની લાઇબ્રેરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરી સાથે હરહંમેશ જોડાયેલા સભ્યોની કુલ સંખ્યા ૪૦૮૫૧ છે. આ લાઇબ્રેરીમાં રોજ ૭૦૦ થી ૮૦૦ જેટલા વિવિધ પુસ્તકોની આપલે થાય છે તેમજ લાઇબ્રેરીમાં પણ રોજ ૧૦૨૦ જેટલા લોકો સરેરાશ વાંચન માટે આવતા હોય છે. વાંચન માટેના અનેક સ્ત્રોતો જેમ કે સોશિયલ મીડિયા, ગુગલમાંથી અનેક વાંચન સામગ્રી મળતી હોવા છતાં પણ વાચકોનો પુસ્તકો પ્રત્યેનો પ્રેમ હજી પણ અકબંધ છે. દર વર્ષે વાચકોની સંખ્યામાં સતત વધારો થયો છે. ગયા વર્ષે ૧૮૨૮૩ જેટલા વાચકો લાઇબ્રેરીમાં નોંધાયા હતાં.
ગ્રંથોની સંખ્યાની દ્રષ્ટિએ રાજ્યનું સૌથી મોટું પુસ્તકાલય વડોદરામાં
વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં સંસ્કૃત સાહિત્ય અને પૌવાર્ત્ય શાસ્ત્ર વિભાગ ઊભો કરાયો હતો જેમાં સંસ્કૃત તેમજ અન્ય ભાષાની હસ્તપ્રતોનો સંગ્રહ કરાતો હતો જો કે પાછળથી તે ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ તરીકે અલગ સંસ્થામાં પરિણમ્યુ હતું. ગ્રંથોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું સાર્વજનિક પુસ્તકાલય કહેવાય છે. ફરતું પુસ્તકાલય અને વિઝ્યૂઅલ ઇન્સ્ટ્રક્શન સેવાઓ શરૃ કરનાર પ્રથમ ગ્રંથાલયમાં ગણતરી થાય છે. ગ્રંથ પ્રદર્શન માટે રાષ્ટ્રીય સ્તરે વર્ષ-૧૯૧૮ અને ૧૯૨૦માં સુવર્ણ ચન્દ્રક પણ લાઇબ્રેરીએ મેળવ્યા છે.
છ ભાષાના ગ્રંથોના વિવિધ સંગ્રહો
ગ્રંથ સંગ્રહો સંખ્યા
ગુજરાતી ૧૧૩૨૮૭
અંગ્રેજી ૮૮૭૮૧
હિન્દી ૩૮૩૪૨
મરાઠી ૪૩૦૫૪
સિંઘી ૪૮૮૯
ઉર્દુ ૭૬૬૫
કોપીરાઇટ ૪૪૦૨૧
જૂના સામયિકોના ૧૮૨૧
બાઉન્ડ વોલ્યૂમ
ફરતા પુસ્તકાલય ૧૬૮૭૨
કુલ ૩૫૮૭૩૫
છેલ્લા છ વર્ષના વાચકોની સંખ્યા
વર્ષ નોંધાયેલા વાચકો
૨૦૨૧-૨૨ ૪૦૨૨૭૦
૨૦૨૨-૨૩ ૩૫૨૬૮૧
૨૦૨૩-૨૪ ૪૨૧૩૦૩
૨૦૨૪-૨૫ ૪૦૮૮૧૧
૨૦૨૫-૨૬ ૪૨૭૦૯૪








