![]()
ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર
બે યુવાનો મિત્રોને મળવા માટે ગાંધીનગર આવી રહ્યા હતા તે સમયે ઘટના ઃ ડમ્પર ચાલકની શોધખોળ
ગાંધીનગર : ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર ખોરજ પાસે આજે સવારના સમયે બાઈક
ઉપર ગાંધીનગર તરફ આવી રહેલા બે યુવાનોને પૂર ઝડપે જતા ડમ્પર ચાલકે અડફેટે લેતા
અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું મોત થયું હતું. અકસ્માત સર્જીને ડમ્પર
ચાલક ફરાર થઈ ગયો હતો. હાલ અડાલજ પોલીસે ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૃ કરી છે.
ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની
ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર વધુ એક હીટ એન્ડ રનની ઘટના
પ્રકાશમાં આવી છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
રાજસ્થાનના ભરતપુર જિલ્લાના રહેવાસી અને હાલ સરદાર ધામ પાસે બાંધકામ સાઈટમાં રહેતા
મુન્નનલાલ હકીમ સિંહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તે અને તેનો મિત્ર
ગુડ્ડુ માંગીલાલ સિંહ આજે સવારના સમયે બાઈક લઈને ગાંધીનગર તેમના મિત્રોને મળવા
માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ગુડ્ડુ બાઇક ચલાવી રહ્યો હતો અને તે તેની પાછળ બેઠો
હતો. ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર ખોરજ બ્રિજ ઉતરતા સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલા
ડમ્પરના ચાલકે તેમના બાઈકને અડફેટે લીધું હતું અને જે ગંભીર અકસ્માતમાં ગુડ્ડુનું
સ્થળ ઉપર જ મોત થયું હતું. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ડમ્પર લઈને ફરાર થઈ ગયો હતો.
અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં
તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે ગુડ્ડુના
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જેથી હાલ અડાલજ પોલીસ દ્વારા
ફરાર થઈ ગયેલા ડમ્પરના ચાલકને શોધવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.










