![]()
સોલર પેનલ કંપનીના પૂર્વ કર્મચારીનું તરકટ
ઓનલાઇન અને એડવાન્સ પેમેન્ટનો આગ્રહ રાખ્યા બાદ આરોપીએ અન્યના એકાઉન્ટ મારફત નાણા મેળવી લીધાં
ગાંધીનગર : ઓનલાઇન પેમેન્ટના જમાનામાં ગઠિયાઓ સીધી રીતે નહીં પરંતુ
આડકતરી રીતે લોકોને ધુતી લેવાના કિસ્સા પણ બને છે. ગાંધીનગરમાં સોલર પેનલનો
વ્યવસાય કરતા દંપતિને ખાનગી સોલર પેનલ કંપનીના પૂર્વ કર્મચારીએ રૃપિયા ૨ લાખનો
ચુનો ચોપડતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જેમાં ઓનલાઇન અને એડવાન્સ પેમેન્ટનો આગ્રહ
રાખ્યા બાદ આરોપીએ અન્યના એકાઉન્ટ મારફત નાણા મેળવી લીધાં હતાં.
પાટનગરમાં વાોલ વિસ્તારમાં વૈદેહી-૧માં રહેતા આનંદસિહ
મફતલાલ ડાભલ નામના સોલર પેનલના વેપારીએ સેક્ટર ૭ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં
આરોપી તરીકે અમદાવાદના પાલડી વિસ્તારમાં નવજીવન એપાર્ટમેન્ટમાં રહેતા ભાગ્યેશ
અકબરીનું નામ આપવામાં આવ્યું છે. ફરિયાદમાં જણાવાયા પ્રમાણે ફરિયાદી અને તેના
પત્ની હેતલબેન સોલર પેનલનો વ્યવસાય કરતાં ગત જુલાઇમાં હેતલબેનને કેશસ્કવેર નામની
કંપનીનો સંપર્ક કર્યો હતો. તેમાં આરોપી સાથે વાત થતાં ૫૮૦ સોલર પેનલ ખરીદવાનું
નક્કી કર્યુ હતું. જેના પગલે આરોપીએ એડવાન્સમાં ઓનલાઇન પેમેન્ટ માંગતા તારીખ ૪
જુલાઇથી ૯મી જુલાઇ સુધીમાં રૃપિયા ૨,૦૨,૮૦૦નું પેમેન્ટ
કર્યુ હતું. જોકે પેમેન્ટ સ્વીકારનાર તરીકે રતનપુરી ગોસ્વામીનું નામ આવતુ હોવાથી આ
મુદ્દે પુછતા આરોપીએ કંપનીની સ્ટ્રક્ચર બ્રાન્ચનો માણસ હોવાનો જવાબ આપ્યો હતો.
બાદમાં આરોપી વાવોલ આવ્યો ત્યારે દંપતીએ અન્ય એક ગ્રાહક સાથે ચિલોડા લઇ જઇને
મુલાકાત પણ કરાવી હતી. પરંતુ બાદમાં સોલર પેનલ મોકલાવી ન હતી.
લકઝરી કાર લઇને આવતા આરોપીએ મોબાઇલ બંધ કરી દીધો
લકઝરી કાર લઇને ફરિયાદી દંપતીને મળવા આવેલા આરોપીએ
ચિલોડામાં અન્ય ગ્રાહકને મળવા જવા સમયે દંપતીને પોતાની કારમાં બેસાડયા હતાં અને
બાદમાં ગાંધીનગરમાં હોટલ લીલા પાસે તેમને ઉતાર્ય હતાં. પરંતુ ત્યાર પછી આરોપીએ
તેનો મોબાઇલ સ્વીચ ઓફ કરી નાંખ્યો હતો. પરિણામે આરોપીનો કોઇ સંપર્ક લાંબા સમય સુધી
નહીં થવાના પગલે આનંદસિંહે કંપનીમાં તપાસ કરી ત્યારે ત્યાંથી ભાગ્યેશ અકબરી
ભૂતકાળમાં નોકરી કરતો હોવાનું ખુલ્યુ હતું.










