![]()
વડોદરાઃ રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે તે હવે નવી વાત નથી.શાળા કોલેજોમાં ૧૫ વર્ષથી પીટીના શિક્ષકો અને લાઈબ્રેરિયનની ભરતી કરવામાં આવી નથી.ગુજરાતમાં સ્કૂલોમાં ૪૨૦૦૦ ઓરડાઓની ઘટ છે.૪૦૦૦૦થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે અને ૨૯૩૬ સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે.૫૬૧૨ સ્કૂલોને ભાજપ સરકારના શાસનમાં તાળા વાગી ગયા છે તેમ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ આજે વડોદરામાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, સ્કૂલોમાં ધો ૧ થી ૫માં ૪૫ લાખ વિદ્યાર્થીઓ છે અને તેની સામે માધ્યમિકમાં વિદ્યાર્થીઓ ઘટીને ૧૭ લાખ અને ઉચ્ચતર માધ્યમિકમાં ૧૦ લાખ જ વિદ્યાર્થીઓ થઈ ગયા છે.ભાજપની સરકાર શિક્ષણ પાછળના ખર્ચને બિન ઉત્પાદકીય ખર્ચ ગણે છે.સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ અધ્યાપકોની ૪૫ થી ૬૫ ટકા જગ્યાઓ ખાલી છે.સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરીને સરકારી શિક્ષણના માળખાને તોડી રહી છે. જિકાસ પોર્ટલના ધાંધિયાના કારણે સરકારી કોલેજોમાં હજારો બેઠકો ખાલી છે અને બીજી તરફ હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે.એમ.એસ.યુનિવર્સિટી સહિત રાજ્યની યુનિવર્સિટીઓમાં યુજીસીના નિયમોની વિરુધ્ધ જઈને વાઈસ ચાન્સેલરની નિમણૂકો કરવામાં આવી રહી છે.
ડો.મનિષ દોશીએ કહ્યું હતું કે, ગુજરાતમાં લોકોને સસ્તું અને સારુ શિક્ષણ મેળવવાનો અધિકાર છે અને આ માટે કોંગ્રેસે શિક્ષણ બચાવો અભિયાન શરુ કર્યું છે.










