![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો જ્યારે ચાંદીના ભાવ વધુ ઉછળી નવા ઉંચા શિખરે પહોંચ્યા હતા. મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૧૦૬૭૦૦થી ઉછળી રૂ.૧૦૯૧૦૦ બોલાતાં નવો રેકોર્ડ સર્જાયો હતો જ્યારે જીેસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઉછળી ઔંશના ૩૭ ડોલ ર ઉપર જતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નોંધપાત્ર વધી ગઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.
વિશ્વ બજારના સમાચાર સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ બતાવી રહ્યા હતા. ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં પીચેહટ દેખાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૩૪૧૮થી ૩૪૧૯ વાળા ગબડી નીચામાં ભાવ ૩૩૭૪થી ૩૩૭૫ થઈ ૩૩૯૦થી ૩૩૯૧ ડોલ ર રહ્યા હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૦૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૨૦૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૧૫૦૦ વધી રૂ.૧૦૭૦૦૦ બોલાયા હતા. અમદાવાદ ચાંદી બે દિવસમાં રૂ.૨૦૦૦ ઉછળી છે જ્યારે અમદાવાદ સોનાના ભાવ બે દિવસમાં રૂ.૧૦૦૦ તૂટયા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૬.૩૦ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૩૭.૨૩ થઈ ૩૬.૯૦થી ૩૬.૯૧ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૮૯૭૫ વાળા રૂ.૯૮૭૫૦ જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૯૩૭૩ વાળા રૂ.૯૯૧૪૭ રહ્યા હતા.
દરમિયાન વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૧૨૫૦ વાળા વધી રૂ.૧૨૭૫ થઈ ૧૨૬૫થી ૧૨૬૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૪૨ વાળા વધી ૧૦૫૦ થઈ ૧૦૪૬થી ૧૦૪૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જો કે ૦.૫૦ ટકા નરમ રહ્યા હતા.
વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ફરી ઉંચકાયા હતા. ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ વધ્યાના વાવડ હતા. વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૭૫ થઈ ૭૪.૫૦ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાુવ વધી ૭૩.૬૯ થઈ ૭૨.૮૫ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં સીટી જૂથના જણાવ્યા મુજબ આ વર્ષે ૨૦૨૫માં ત્રીજા ત્રિમાસિકમાં સોનાના વૈશ્વિક ભાવ તૂટી ૩૦૦૦ ડોલરની અંદર ઉતરી જવાની શક્યતા જણાય છે. વૈશ્વિક ચાંદીના ભાવ આ વર્ષે ૬ મહિનામાં આશરે ૩૦ ટકા વધ્યા છે તથા ભાવ વધી ૧૩ વર્ષની ટોચે પહોંચ્યા છે. હાલ ભાવ વધી ૩૭ ડોલર ઉપર ગયા છે.










