![]()
– ઈડીની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ બાદ કાર્યવાહી
– જમીન કૌભાંડ મામલે હવે આગામી 5 માર્ચે સુનાવણી હાથ ધરવામાં આવશે : અધિક કલેક્ટર સામે કાર્યવાહીના એંધાણ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જમીન એનએ કૌભાંડમાં ઈડીની સ્પેશિલ કોર્ટમાં ફરિયાદ બાદ કલેક્ટરના પીએ અને મામલતદાર સહિત ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કરોડોના જમીન કૌભાંડમાં આગામી સમયમાં વધુ ધરપકડના એંધાણ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનો બિનખેતી (એનએ) કરવાના બદલામાં આચરવામાં આવેલા કરોડોના આથક કૌભાંડમાં હવે જવાબદાર અધિકારીઓ સામે એક્શન લેવાની શરૂઆત થઈ ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ, મહેસૂલ વિભાગે કડક કાર્યવાહી કરી છે. જેમાં મામલતદાર મયુર દવે, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ) જયરાજસિંહ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મામલતદાર મયુર દવેને સસ્પેન્ડ કરી તેમનું હેડક્વાર્ટર ડાંગ ખાતે ખસેડવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છેકે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના વઢવાણ સ્થિત નિવાસસ્થાને ઇડીની રેડમાં રૂ.૬૭ લાખની રોકડ અને કલેક્ટરના ઘરેથી ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જમીન એનએ કરવા માટે ઉઘરાવવામાં આવતી લાંચની રકમમાં ચોક્કસ હિસ્સો નક્કી હતો. કુલ રકમના ૫૦% હિસ્સો તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ રાખતા હતા, જેનો વહીવટ તેમનો પીએ જયરાજસિંહ ઝાલા સંભાળતો હતો. આ ઉપરાંત, ૨૫ ટકા રકમ અધિક કલેક્ટર આર. કે. ઓઝા અને ૫ ટકા રકમ મામલતદાર મયુર દવે લેતા હોવાનું બહાર આવ્યું છે. હાલમાં તત્કાલીન કલેક્ટર જેલ હવાલે છે, ત્યારે હવે આગામી દિવસોમાં અધિક કલેક્ટર આર. કે. ઓઝા સામે પણ ગમે ત્યારે કડક કાર્યવાહી થઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આ મોટા ઓપરેશનને પગલે કલેક્ટર કચેરીના અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.










