![]()
જામનગરના અગ્રણી બિલ્ડર અને તેના પુત્રને સોશિયલ મીડિયા ના માધ્યમથી બદનામ કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે. ફેસબુક અને ઇ ઇન્સ્ટાગ્રામ ની જુદી જુદી બે આઈ.ડી.માં બિલ્ડર અને તેના પુત્રના ફોટામાં એ.આઇ.ની મદદથી એડિટિંગ કરીને વિકૃત ફોટા અપલોડ કરી સમાજમાં બદનામ કરવાની તેમજ ઉશ્કેરણીજનક અને અપમાન જનક શબ્દોના લખાણ લખી બદનામી કરનાર બે આઈ.ડી. ધારકો સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ચકચાર જાગી છે.
ઉપરાંત બિલ્ડરે જે બે ખેડૂતો પાસેથી જમીન ખરીદી હતી તે બંનેને પણ ધમકી અપાયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. સાબર ક્રાઈમ પોલીસ ની ટિમ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.
જામનગરમાં ઓસવાળ કોલોની વિસ્તારમાં રહેતા અને બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા જમનભાઈ શામજીભાઈ ફળદુ નામના શહેરના આગ્રણી બિલ્ડરે ગઈકાલે સાયબર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને જુદી જુદી ફેશબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડીના બે વપરાશકર્તા અજાણ્યા શખ્સો સામે પોતાને બદનામ કરવાની તેમજ આપત્તિ જનક વિડિયો અને ફોટો અપલોડ સમાજમાં બદનામ કર્યા ની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બિલ્ડર જમનભાઈ ફળદુ અને તેઓના પુત્ર ને સમાજમાં બદનામી થાય તે પ્રકારનું કરવા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા, અન્યથા પોતાની પાસેથી પૈસા પડાવવાનું કાવતરું કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
બિલ્ડર જમનભાઈ ફળદુએ ફરિયાદ માં જણાવ્યું છે કે વિશાલ કણસાગરા નામક આઈડી નો ઉપયોગ કરનાર વ્યક્તિએ પોતાને બદનામ કરતુ લખાણ લખેલા અને નીચે અલગ અલગ ફોટાઓ મુકેલા અને લખાણ કરેલા ફોટાઓ સાથે પોતાને તથા પોતાના પુત્ર વિષે ખોટી માહિતી ફેલાવતા અને બદનામ કરતા આર્ટીફીશીયલ ઇન્ટે લીઝન્સીથી એડીટીંગ કરેલા વિડિયો પોસ્ટ કરવામા આવ્યા હોવાનું જણાવી તે આઈડીના સ્ક્રીનશોટ પાડીને સાઇબર ક્રાઇમ પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા.
ઉપરાંત પોતે જેઓની પાસેથી જમીન ખરીદ કરેલી છે, તે ખેડુત જગદીશભાઇ ઓધવજી તથા નરશીભાઈ પ્રાગજીભાઈને પણ ધાક ધમકી અપાઇ છે.
જે બંને ખેડૂતોને પણ બદનામ કરવાનો પ્રયત્ન થયો હોવાથી તેઓએ પોતાના મોબાઇલમાથી પોતાની આઈ.ડી. થી ઉપરોક્ત ફેસબુક આઈ.ડી. ‘વિશાલ કનસાગરા’ નામની આઈ.ડી. ઉપર મેસેજ કરેલા હતા, ત્યારે આ અજાણ્યા આઈ.ડી. ધારકે તેઓને મેસેજમા જેમ ફાવે તેમ ગાળો આપી “ઘરમાથી કાઢી કાઢીને મારીશ” તેવી ધમકી આપેલી હતી.
આમ ફેસબુક આઈ.ડી. ‘વિશાલ કનસાગરા’ તથા ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. તેમજ ‘વી. કનસાગરા-77 નામની આઈ.ડી. ના ધારકે પોતાને તથા પુત્ર જશ્મીનને સોશીયલ મીડીયાના માધ્યમથી બદનામ કરવાના ઇરાદે તેમજ બન્ને ની બદનક્ષી થાય અથવા કોઇને કોઇ પ્રકારે અમારી પાસેથી નાણા પડાવાના ઇરાદે તથા પોતાની સસ્તી પ્રસીધ્ધી મેળવવાના ઇરાદે મારા તથા મારા પુત્રના ફોટા અમારી મંજૂરી વગર કોઇપણ રીતે મેળવી અમારી ઓળખની ચોરી કરી લીધા હતા.
જે અમારા ફોટોગ્રાફસમાં આર્ટીફીશીયલ ઇન્ટેલીઝન્સથી એડીટીંગ કરી ફોટોગ્રાફ્સ વિકૃત કરી અમારી પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવુ જાણવા છતા ખોટો ઇલેક્ટ્રોનીક રેકર્ડ બનાવી તથા અલગ અલગ વિડિયો બનાવી ફોટાઓ તથા વિડિયોમા અમોને બદનામ કરતા લખાણ લખી સુલેહભંગ થાય તે માટે ઉશ્કેરવા સારૂ ઉશ્કેરણી જનક લખાણ લખી ફોટોગ્રાફ્સ તથા વિડિયો પોતાની આઇ. ડી. મા અપલોડ કરી તેમજ જે બન્ને ખેડૂતો પાસેથી જમીન ખરીદ કરેલી છે, તે ખેડુત જગદીશભાઈ ઓધવજી તથા નરશીભાઈ પ્રાગજીભાઈને આ અજાણ્યા આઈ.ડી. ધારકે મેસેજમા જેમફાવે તેમ ગાળો આપી ઘર માથી કાઢી કાઢીને મારીશ તેવી ધમકી આપી હોવાથી તેની સામે યોગ્ય કરવા ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઇ. આઈ.એ. ધાસુરા એ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(2), 336(4), 351(4), 352, 356 તથા આઈ.ટી.એક્ટ 66 (સી) મુજબ ગુનો નોંધ્યો છે, અને ઉપરોક્ત બંને આઈડી ધારક ને શોધવા માટે સોશિયલ મીડિયા ના માધ્યમથી કવાયત શરૂ કરી છે.










