![]()
જામનગર શહેર વિસ્તારમાં આવેલ તમામ ભય જનક અને જર્જરીત ઇમારતો ને સેઇફ સ્ટેજે લઈ જવા અને તેની જાણ મહાનગર પાલિકામાં કરવા સૂચના આપવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ ભયજનક ઈમારતોનું પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે દર વર્ષે ફીઝીકલ સર્વે કરવામાં આવે છે, જે દરમ્યાન ધ્યાને આવેલ તેમજ વોર્ડ એન્જીનીયર ધ્વારા રૂટીન વોર્ડ રાઉન્ડ દરમ્યાન ધ્યાને આવેલ અને કચેરી ની મળેલ જુદી-જુદી અરજીઓ અન્વયે જણાવેલ ભયજનક જણાતી ઈમારતો કે ઈમારતોના ભાગ માટે જે તે આસામીઓ/વપરાશકર્તાઓને નોટીસ ઈસ્યુ કરી આવા ભયજનક જર્જરીત ભાગ કે ઈમારતોને સેઇફ સ્ટેજે લાવવા માટે જાણ કરવામાં આવી છે.
આ જાહેર નોટીસથી વર્ષ 2026ની પ્રિ-મોન્સુન કામગીરી ના ભાગરૂપે આવા જામનગર મહાનગરપાલિકા ની હદ-વિસ્તાર મા આવેલ ભયજનક/ જર્જરીત ઈમારતો કે ઈમારતોના ભાગમાં રહેઠાણ કરનાર તમામ આસામીઓને તાત્કાલિક ધોરણે બાંધકામ ને સેઈફ સ્ટેજે લાવી જામનગર મહાનગરપાલિકાના માન્ય સ્ટ્રક્ચર એન્જનીયર પાસેથી સ્ટેબીલીટી અંગેનું સર્ટીફીકેટ મેળવી ટાઉન પ્લાનીંગ શાખામાં રજુ કરવાનું રહેશે અન્યથા કોઈપણ હોનારતને લીધે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે ઈમારતનો ભાગવટો કરનાર આસામી/માલિક ની રહેશે.
શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં આસામીઓ દ્વારા ઈમારતનું રીનોવેશન/ રીપેરીંગ, ફલોરીંગ ચેન્જ, દિવાલોના આંતરીક ફેરફાર વિગેરે જેવા કામો કે જેમાં વિકાસ પરવાનગી મેળવવાની જરૂરીયાત રહેતી નથી, તેવા કામો સમયાંતરે કરવામાં આવતા હોય છે. આવા કામો મહાનગરપાલિકાના રજીસ્ટર્ડ આર્કિટેક્ટના સુપરવિઝનમાં તથા સ્ટ્રકચર એન્જીનીયરની યોગ્ય સલાહ મેળવ્યા પછી જ કરાવવા જરૂરી છે. જેથી બાંધકામના સ્ટ્રક્ચરલ ડેમેજને અટકાવી શકાય .તથા જાનહાનિ પણ નિવારી શકાય. આથી તમામ શહેરીજનોને અપિલ કરવામાં આવી છે કે આવા રીનોવેશન/ રીપેરીંગ, મકાનની અંદરના આંતરીક ફેરફારો નિષ્ણાંતોની સલાહ તથા માર્ગદર્શન હેઠળ જ કરવામાં આવે. ખાસ કરીને ગઢની રાંગની અંદરના વિસ્તારોમાં સનદી બાંધકામોમાં કોઈપણ આંતરીક ફેરફારો કરતાં પહેલા રજીસ્ટર્ડ એન્જીનીયરની સલાહ તથા માર્ગદર્શન મેળવી લઈ તેઓના સુપરવિઝન હેઠળ અન્ય ખાતાના જરૂરી એન.ઓ.સી. મેળવી આવા કામો હાથ ધરવા.
તેમજ રીનોવેશન/ રીપેરીંગ કામ ઉપરાંત કોઈપણ બાંધકામમાં અપર ફલોર કરતાં સમયે હૈયાત બાંધકામની યોગ્ય સ્ટ્રકચરલી ચકાસણી કરાવ્યા બાદ જ ધોરણસરની વિકાસ પરવાનગી મેળવી, મહાનગરપાલિકાના રજીસ્ટર્ડ એન્જીનીયરની સલાહ તેમજ સુપરવિઝન હેઠળ જ આવા કામો કરવા સુચના આપવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકાના રજીસ્ટર્ડ આર્કિટેકટ એન્જીનીયર નું લીસ્ટ જામનગર મહાનગરપાલિકાના વૈબસાઈટ www.mcjamnagar.com પર થી મળી શકશે.
જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ સરકારી તેમજ અર્ધસરકારી વિભાગો હસ્તકની ઈમારતોનું સ્ટ્રક્ચરલ ઓડીટ કરાવી, સ્ટ્રકચરલ સ્ટેબીલીટી સર્ટીફીકેટ જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખામાં રજુ કરવા અનુરોધ કરવામાં આવે છે. વધુ માં જણાવવાનું કે, જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં રહેતા તમામ આસામીઓને પણ પોતાની રહેણાંકની આસપાસ જો આવી કોઈ ભયજનક કે જર્જરીત ઈમારતો આવેલ હોય તો ટાઉન પ્લાનીંગ શાખાને તુરંત તેની લેખિતમાં જાણ કરવાની રહેશે. તેમ સીટી એન્જીનીયર , ટાઉન પ્લાનીંગ શાખા જામનગર મહાનગરપાલિકા ની યાદી માં જણાવાયું છે.










