![]()
Jamnagar Vehicle Theft : જામનગર શહેરમાં ઠંડીની સાથે સાથે વાહન ચોર ટોળકી સક્રિય બની છે, અને શહેરમાંથી એકી સાથે ચાર મોટર સાયકલની ઉઠાતરી કરી લઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસ તંત્રની દોડધામ વધી છે. જામનગર શહેરમાં એક તરફ ઠંડી પડી રહી છે, દરમિયાન તસ્કર ટોળકી પણ સક્રિય બની ગઈ છે. અને એકી સાથે ચાર વાહનોની ચરી કરીને પોલીસ તંત્રને પડકાર ફેંક્યો છે.
જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રવિ પાર્કમાં રહેતા સમીર સલીમભાઈ બુખારી નામના યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. તે જ રીતે ગુલાબ નગર રવિ પાર્ક વિસ્તારમાં રહેતા રાજેશ ચમનભાઈ ઝાલા નામના સફાઈ કામદાર યુવાને પણ પોતાનું રૂપિયા 40,000 ની કિંમતનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
આ ઉપરાંત કુલ ગુલાબ નગર વિસ્તારમાં જીલાની ચોકમાં રહેતા સાહબાજ સબીરભાઈ સફિયાએ પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત જામનગરમાં સુભાસ પાર્ક વિસ્તારમાં રહેતા રમેશ રાણાભાઇ મકવાણાએ પણ પોતાનું મોટર સાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. તસ્કરોને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી કેમેરાની મદદ લેવાઈ રહી છે, અને કેટલાક શકમંદોની પૂછપરછ હાથ ધરી છે.










