![]()
વડોદરા : જેસલમેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાના સંદર્ભમાં
વડોદરામાં રહેતા એક શખ્સને પોલીસે નોટિસ મોકલતા આ નોટિસના આધારે અરજદારે પોલીસ
તેની ધરપકડ કરશે તેવી આશંકા સાથે વડોદરાની કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી.
અદાલતે અરજદારે અરજી સાથે એફઆઇઆરની કોપી પણ રજૂ કરી ન હોવાની નોંધ સાથે આગોતરા
અરજી નામંજૂર કરી હતી.
વડોદરામાં રહેતા અરબ અયાન નામના અરજદારે સેશન્સ કોર્ટમાં કરેલી
આગોતરા જામીન અરજીમાં રજૂઆત કરી હતી કે, તેને જેસલમેર સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા નોટીસ
આપવામાં આવી છે અને તેમાં જે કલમો દર્શાવવામાં આવી છે તેમાં સાત વર્ષની સજાની
જોગવાઇ છે અને પોલીસ તેની ખોટી રીતે ધરપકડ કરશે તેવી તેને આશંકા છે એટલે તેને
આગોતરા જામીન આપવામાં આવે.અરજીની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે,
અરજદારે કોઇ કાગળો રજૂ કર્યા નથી અને બીજા પક્ષને સાંભળ્યા વગર
જામીન અરજી મંજૂરી કરી શકાય નહી એટલે અરજી નામંજૂર કરવી જોઇએ.
બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ન્યાયાધીશે અરજદારની અરજી
નામંજૂર કરી હતી અને નોંધ્યું હતું કે, માત્ર નોટિસના આધારે આગોતરા જામીન મુકાયા છે.
અરજદાર તરફે એફઆઇઆરની કોપી પણ રજૂ કરવામાં આવી નથી.પોલીસ આરોપીને નોટિસ બજાવવા
માટે બંધાયેલી છે અને નોટિસ બાદ આરોપી જો તપાસમાં સહકાર ન આપે તો પોલીસને તેની
ધરપકડ કરવાની સત્તા છે. હાલ નોટિસ આપવામાં આવી છે ત્યારે ધરપકડની કોઇ શંકા જણાતી
નથી.










