![]()
TMC Crisis : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ(TMC)માં સર્જાયેલી ભારે ઉથલપાથલ વચ્ચે એક મોટી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, મમતા બેનર્જી પોતાની જૂની પાર્ટી કોંગ્રેસમાં વાપસી કરી શકે છે અથવા TMCનું કોંગ્રેસમાં વિલય થઈ શકે છે. આ ચર્ચાઓ વચ્ચે પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ શુભંકર સરકારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, જે પણ વ્યક્તિ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનતા જોવા માગે છે, તેમના માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે.
મમતા અને અભિષેક માટે કોંગ્રેસનું શું વલણ છે?
બુધવારે જ્યારે મીડિયાએ શુભંકર સરકારને પૂછ્યું કે, શું કોંગ્રેસ TMC પ્રમુખ મમતા બેનર્જીને પાર્ટીમાં સામેલ કરવા તૈયાર છે? તો તેમણે કહ્યું કે, ‘રાજકારણ એ સંભાવનાઓની કળા છે. જે રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે, તે પાર્ટીમાં સામેલ થઈ શકે છે.’ જ્યારે તેમને TMCના રાષ્ટ્રીય મહાસચિવ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની એન્ટ્રી અંગે સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે અભિષેક પર પણ આ જ શરતો લાગુ પડશે.
કોંગ્રેસમાં વાપસીની અટકળોએ કેમ જોર પકડ્યું?
વાસ્તવમાં, છેલ્લા બે દિવસમાં મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ઘણી મહત્ત્વપૂર્ણ બેઠકો કરી છે. ત્યારબાદથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મમતા બેનર્જી પોતાની ‘મૂળ પાર્ટી’માં વાપસી કરી શકે છે.
નોંધનીય છે કે, મમતા બેનર્જીએ વર્ષ 1998માં કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરાયા બાદ જ TMCની સ્થાપના કરી હતી. વર્ષ 2011માં ડાબેરી મોરચાના 34 વર્ષ જૂના શાસનને ઉખેડી ફેંક્યા બાદ TMC સત્તામાં આવી હતી અને 2026 સુધી પૂરા 15 વર્ષ શાસન કર્યું. 2021 પહેલા TMCએ કોંગ્રેસની કેટલીય નગરપાલિકાઓ પર કબજો કર્યો હતો અને કોંગ્રેસના ઘણા ધારાસભ્યોને પોતાની તરફ ખેંચ્યા હતા. આ જ જૂના ઇતિહાસને જોતાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનો એક વર્ગ મમતા બેનર્જીની વાપસીનો વિરોધ પણ કરી રહ્યો છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી(2026)માં મળેલી કારમી હારના માંડ એક મહિના બાદ જ TMC ભયંકર બળવાનો સામનો કરી રહી છે. પાર્ટીના મોટાભાગના રાજ્યના ધારાસભ્યો બળવો કરી ચૂક્યા છે અને સાંસદોમાં પણ ભંગાણ પડ્યું છે. લોકસભામાં TMCના લગભગ 20 સાંસદોએ એક અલગ જૂથ બનાવી લીધું છે અને આ સાંસદો હવે ભાજપના નેતૃત્વવાળી NDA સરકારને ટેકો આપશે.
આ પણ વાંચો: કોંગ્રેસમાં વિલયના અહેવાલોને TMCના બળવાખોર જૂથે ફગાવ્યા, કહ્યું – હજુ તો ઘણા રાજીનામા પડશે
બીજી તરફ રાજ્ય વિધાનસભામાં TMCના બળવાખોર ધારાસભ્યોએ ઋતબ્રત બેનર્જીને વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે. વિધાનસભાની બહાર ઋતબ્રત બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે, ‘અમારા જૂથનો કોંગ્રેસમાં વિલય કરવાનો કોઈ ઇરાદો નથી. અમે જ અસલી તૃણમૂલ કોંગ્રેસ છીએ અને અમે કોંગ્રેસમાં વિલય નથી કરી રહ્યા.’
80માંથી 64 ધારાસભ્યો અમારી સાથે
ઉલુબેરિયા પૂર્વથી ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીએ દાવો કર્યો કે, ‘અમારા જૂથમાં બળવાખોર ધારાસભ્યોની સંખ્યા વધીને 64 થઈ ગઈ છે અને આગામી દિવસોમાં આ આંકડો હજુ પણ વધશે.’ ઉલ્લેખનીય છે કે, 2026ની વિધાનસભા ચૂંટણીમાં TMCના માત્ર 80 ઉમેદવારો જ જીત મેળવી શક્યા હતા.
ઋતબ્રતે આગળ કહ્યું કે, ‘સંસદમાં પણ બે-તૃતીયાંશથી વધુ સાંસદો કોંગ્રેસમાં વિલય નથી કરી રહ્યા. તો પછી કોણ કોનામાં વિલય કરી રહ્યું છે? અમારી જાણકારી મુજબ ન તો સાંસદો જઈ રહ્યા છે, ન અમે જઈ રહ્યા છીએ, અને ન તો નગરપાલિકા કે જિલ્લા પરિષદના કોઈ સભ્યો જઈ રહ્યા છે.’
પાર્ટીની અંદર ચાલી રહેલી આ ઉથલ-પાથલની અસર રાજ્યસભામાં પણ જોવા મળી રહી છે. બુધવારે TMC સાંસદ સુષ્મિતા દેવે રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધુ હતું, જેના પછી ઉપલા ગૃહમાં પાર્ટીના સાંસદોની સંખ્યા ઘટીને માત્ર 11 થઈ ગઈ છે. આ પહેલા સોમવારે સુખેન્દુ શેખર રોયે પણ પાર્ટી અને પોતાના રાજ્યસભા સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું હતું.










