![]()
વેપારીઓને ૨૨ કરોડથી વધુનો ચૂનો ચોપડનાર
ટયુશનમાં સાથે ભણતા મિત્રને નિશાન બનાવ્યા ઇન્ફોસિટી પોલીસ મથકમાં વધુ એક ગુનો દાખલ કરાયો
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૨૩માં રહેતા ઠગ દંપતિ દ્વારા
વેપારીઓને ટેન્ડરના નામે કરોડો રૃપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો છે ત્યારે આ વખતે
ટયુશનમાં સાથે ભણતા મિત્રોને પણ છોડયા નથી અને ટેન્ડરના નામે તેમની પાસેથી ૭૨ લાખ
રૃપિયાની રકમ પડાવી લેવામાં આવી હતી. જે સંદર્ભે હાલ ઇન્ફોસિટી પોલીસ મથકમાં વધુ
એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પાટનગર ગાંધીનગર શહેરમાં ઠગ ટોળકીઓની કમી નથી ત્યારે આ વખતે
સેક્ટર ૨૩માં પ્રાણકુંજ ૨૮૯-૨ માં રહેતા અને ઇન્ફોસિટી સુપર મોલમાં ઓમ એન્ટરપ્રાઇઝ
ચલાવતા નીરવ દવે અને તેની પત્ની મીરા દવેએ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અલગ અલગ
કોર્પોરેશન તેમજ ટુરીઝમ વિભાગમાં કરોડો રૃપિયાના ટેન્ડર લાગ્યા હોવાના બનાવટી
દસ્તાવેજ બનાવીને લોકોને રોકાણ કરીને મોટો નફો આપવાની લાલચ આપી હતી. જેમાં કરોડો
રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. અગાઉ તેમણે ૨૨.૭૦ કરોડ રૃપિયાની છેતરપિંડી કરી
હોવા અંગે અલગ અલગ ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાવવા પામી હતી ત્યારે પોલીસ
દ્વારા તેની ઊંડાણપૂર્વક તપાસ શરૃ કરવામાં આવી છે અને આ ઠગ દંપતીના ઘરે તપાસ
કરવામાં આવતા સમગ્ર પરિવાર ઘર બંધ કરીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
એટલું જ નહીં પોલીસ દ્વારા તેમના ચાર જેટલા બેંક એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યા છે.
ત્યારે ગાંધીનગર શહેરના સેક્ટર ૬ બીમાં રહેતા મુનીર રજાકભાઈ પઢીયારને પણ આ ઠાગ
દંપતી દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. નીરવ દવે મુનિરભાઈ સાથે ટયુશનમાં સાથે
ભણતો હોવાથી બંને વચ્ચે વર્ષ ૧૯૯૪થી મિત્રતા હતી અને ગત ૨૦૨૪માં નીરવ અને તેની
પત્નીએ સરકારી ટેન્ડર લાગ્યા હોવાનું કહી રોકાણ કરીને નફો મેળવવાની લાલચ આપીને ૭૨
લાખ જેટલી રકમ તેમની પાસેથી લીધી હતી. જોકે લોકોની જેમ મુનિરભાઈને પણ આ ઠગ દંપતી
દ્વારા છેતરવામાં આવ્યા હતા. જેથી હાલ વધુ એક ગુનો ઇન્ફોસિટી પોલીસ મથકમાં દાખલ
કરવામાં આવ્યો છે.










