![]()
મુંબઈ : તહેવારો નિમિત્તે ઓનલાઈન ખરીદીમાં વધારો થતા ઓગસ્ટમાં યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) પ્લેટફોર્મ મારફતના વ્યવહાર જુલાઈની સરખામણીએ ત્રણ ટકા વધી ૨૦.૦૧ અબજ રહ્યા હતા. જુલાઈમાં આ આંક ૧૯.૪૭ અબજ રહ્યો હતો.
મૂલ્યની દ્રષ્ટિએ વ્યવહારોનો આંક ૧ ટકા ઘટી રૂપિયા ૨૪.૮૫ ટ્રિલિયન રહ્યો હતો જે જુલાઈમાં રૂપિયા ૨૫.૦૮ ટ્રિલિયન જોવા મળ્યો હતો એમ નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા જારી કરાયેલ ડેટામાં જણાવાયું હતું.
ઓગસ્ટમાં યુપીઆઈ મારફત વ્યવહારની દૈનિક સરેરાશ ૬૪.૫૦ કરોડ રહી હતી જે જુલાઈમાં ૬૨.૮૦ કરોડ જોવા મળી હતી. મૂલ્યની દ્રષ્ટિએ દૈનિક સરેરાશ આંક રૂપિયા ૮૦૯૧૯ કરોડ પરથી ઘટી રૂપિયા ૮૦૧૭૭ કરોડ રહ્યો હતો.
ગયા વર્ષના ઓગસ્ટની દ્રષ્ટિએ યુપીઆઈ વ્યવહારમાં વોલ્યુમની દ્રષ્ટિએ ૩૪ ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ ૨૧ ટકા વધારો થયાનું પણ પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું.
તહેવારોની મોસમ દરમિયાન ઉપભોગમાં વધારો થયાનું વ્યવહારની સંખ્યા પરથી કહી શકાય એમ છે.
કોરોના બાદ દેશમાં ઓનલાઈન ખરીદીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઓનલાઈન ખરીદીને કારણે યુપીઆઈ વ્યવહારમાં સતત વધારો થતો જોવા મળે છે. ડિજિટલ પેમેન્ટસ માત્ર મોટા શહેરો પૂરતું જ મર્યાદિત નથી રહ્યું પરંતુ દેશના નાના નગરો તથા ગામડાઓના વપરાશકારો પણ તેનો ઉપયોગ કરતા થયા છે.










