![]()
Uma Bharti Health Issue: ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીની અચાનક તબિયત ખરાબ થવાના સમાચાર સામે આવ્યા છે. હરિદ્વારથી દિલ્હી જતી વખતે રસ્તામાં જ તેમની તબિયત લથડી હતી. આ ઘટના ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં બની હતી, જ્યાં તબિયત બગડવાને કારણે તેમના કાફલાને રસ્તામાં જ અટકાવવો પડ્યો હતો.
હરિદ્વારથી દિલ્હી જતાં સમયે બની ઘટના
ન્યૂઝ એજન્સી પીટીઆઇના રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ બુધવારે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી હરિદ્વારથી રોડ માર્ગે દિલ્હી જવા માટે નીકળ્યા હતા. આ પ્રવાસ દરમિયાન ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી. તબિયત લથડતાંની સાથે જ પ્રોટોકોલ મુજબ તાત્કાલિક સ્થાનિક આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી.
પેટ્રોલ પંપ પર કાફલો રોકી કરાઈ સારવાર
મુઝફ્ફરનગરના મુખ્ય તબીબી અધિકારી (CMO) ડૉ. સુનિલ તેવતિયાએ જણાવ્યું કે, 67 વર્ષીય ઉમા ભારતીએ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની ફરિયાદ કરી હતી, જેના કારણે તેમના કાફલાને સિંઘાવલી ગામ પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર તાત્કાલિક રોકી દેવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં મંગળવારે સાંજે જ મેડિકલ ટીમે ઘટનાસ્થળે પહોંચીને તેમને પ્રાથમિક સારવાર અને તબીબી સહાય પૂરી પાડી હતી.
આ પણ વાંચો: ‘મહારાષ્ટ્ર-બંગાળ છોડો, સપાના અનેક નેતા ભાજપમાં જોડાવા તૈયાર…’ દિગ્ગજ નેતાનો દાવો, સપાનો વળતો પ્રહાર
બ્લડ પ્રેશર અને પગમાં સોજાની સમસ્યા
CMO ડૉ. સુનિલ તેવતિયાના જણાવ્યા અનુસાર, મેડિકલ ટીમે ઘટનાસ્થળે પહોંચીને જ્યારે ઉમા ભારતીના સ્વાસ્થ્યની તપાસ કરી, ત્યારે તેમનું બ્લડ પ્રેશર ઘણું વધેલું જોવા મળ્યું હતું અને તેમના પગમાં સોજાની તકલીફ પણ હતી. મેડિકલ ટીમ દ્વારા જરૂરી દવાઓ અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની સ્થિતિમાં સુધારો થયો હતો અને ત્યારપછી તેઓ દિલ્હી જવા માટે રવાના થયા હતા.










