અમદાવાદ,બુધવાર
ગુજરાતના એક જાણીતા મિડીયા ગુ્રપની વેબસાઇટના પત્રકાર દિર્ઘાયુ વ્યાસે ક્રાઇમબ્રાંચમાં અરજીનો નિકાલ કરીને સમગ્ર મામલે પતાવટ કરાવી આપવાનું કહીને ૧૦ લાખનો તોડ કર્યાની ફરિયાદ અને નિકોલમાં રિવોલ્વર બતાવીને પીએસઆઇની ઓળખ આપીને યુવકને ધમકી આપ્યાની ફરિયાદ બાદ દિર્ઘાયુ વ્યાસના એક પછી એક કારસ્તાન સામે આવી રહ્યા છે. જેમાં તેણે રિલીફ રોડ, સિંધી માર્કેટમાં વ્યવસાય કરતા વેપારીઓને નકલી પ્રોડક્ટ વેચાણ કરવાના અને જીએસટી ચોરી કરવાના કેસમાં ફસાવવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવ્યા હોવાની વિગતો બહાર આવી છે. આ સંદર્ભમાં ક્રાઇમબ્રાંચમાં ૧૦થી વધારે વેપારીઓએ દિર્ઘાયુ વ્યાસના કાંડ અગે અરજી કરી છે. જેમાં લાખો રૂપિયા પડાવી લેવાનો ઉલ્લેખ કરાયો છે.જે અનુસંધાનમાં ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.
એક મિડીયા હાઉસની વેબસાઇટમાં નોકરી કરતા પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ ૧૦ લાખ રૂપિયાના તોડ અને નિકોલમાં નકલી પીએસઆઇની ઓળખ આપીને યુવકને રિવોલ્વર બતાવવાના કેસમાં શરૂ કરવામાં આવેલી તપાસ દરમિયાન પોલીસને દિર્ઘાયુના અન્ય કારસ્તાનની વિગતો મળી છે. જેમાં રિલીફ રોડ અને સિંધી માર્કેટના ૧૦થી વધુ વેપારીઓએ ક્રાઇમબ્રાંચમાં રજૂઆત કરી હતી કે દિર્ઘાયુ વ્યાસે વેપારીઓ ઇલેક્ટ્રોનીક્સ, એફએમસીજી અને અન્ય ચીજવસ્તુઓની ડુપ્લીકેટ ચીજવસ્તુઓ મોટાપ્રમાણમાં વેચાણ કરીને કોપીરાઇટનો ભંગ કરવાની સાથે જીએસટીની ચોરી કરીને સરકારને પણ નુકશાન કરે છે. તેવી સ્ટોરી ચલાવવાનું કહીને મિડીયામાં બદનામ કરવાની ધમકી આપીને લાખો રૂપિયા ખંખેર્યા હતા.
જે અનુસંધાનમાં વેપારીઓએ ક્રાઇમબ્રાંચને સીસીટીવી ફુટેજ, વોટ્સએપ કોલ તેમજ દિર્ઘાયુ વ્યાસ સાથે સંકળાયેલા વ્યક્તિ અંગેના પુરાવા પણ પોલીસને આપ્યા છે. જેના આધારે પોલીસે અરજી લઇને પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધવા માટે તજવીજ શરૂ કરી છે. આ અનુસંધાનમાં ક્રાઇમબ્રાંચમાં આગામી દિવસોમાં ચાર જેટલી ફરિયાદ નોંધાઇ શકે છે. જેમાં છેતરપિંડીની રકમ ૫૦ લાખથી વધારેની છે. બીજી તરફ પોલીસે દિર્ઘાયુ વ્યાસ અને તેના પિતાને શોધવા માટે અલગ અલગ ટીમ સક્રિય કરી છે.










