![]()
દુબઈમાં ફસાયેલા ગુજરાતી પર્યટકો હાલ ભારત પરત આવવા પરેશાનીનો સામનો કરી રહ્યા છે. દુબઈથી વડોદરાના નાગરિકે જણાવ્યું છે કે, દુબઈ એરપોર્ટફરી શરૂ થયા પછી પણ ભારત પરત ફરવા ઇચ્છતા ભારતીય નાગરિકો માટે સ્પેશિયલ ફ્લાઇટની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. જેથી ભારત સરકારના વિદેશ મંત્રાલયને વિનંતી કરી છે કે, દુબઈમાં અટવાયેલા ભારતીય નાગરિકો માટે તાત્કાલિક સ્પેશિયલ ફ્લાઇટની વ્યવસ્થા કરી વ્યાજબી ભાવે ટિકિટ ઉપલબ્ધ કરાવવામાં આવે.
વડોદરાનાએડવોકેટ શૈલેષ અમીને જણાવ્યું છે કે, સામાન્ય રીતે પર્યટકો દુબઈ, ફુજૈરાહ, શારજાહ અને અબુધાબી એરપોર્ટ મારફતે ભારત તરફ મુસાફરી કરે છે. આ તમામ એરપોર્ટ યુએઈમાં એકબીજાથી નજીક હોવાથી કાર દ્વારા એકથી બે કલાકમાં પહોંચી શકાય છે, પરંતુ દરેક એરપોર્ટની ફ્લાઇટ ઓપરેશન અંગે અલગ એડવાઈઝરી હોવાને કારણે હાલ મુસાફરી મુશ્કેલ બની છે.
વધુમાં ઉમેર્યું કે,ઇન્ટરનેશનલ એરલાઈન્સ અને બુકિંગ એજન્ટો દ્વારા ટિકિટના ભાવોમાં ભારે વધારો કરાયો છે. સામાન્ય રીતે દુબઈથી અમદાવાદની રિર્ટન ટિકિટ રૂ.૨૦થી ૨૫ હજારમાં મળે છે, હાલ વન-વે ટિકિટ રૂ. ૬૦થી ૭૦ હજારથી વધુમાં ઓનલાઈન દર્શાવવામાં આવી રહી છે. એટલુંજ નહીં, ફુજૈરાહ એરપોર્ટથી ઉપડતી ચાર્ટર્ડ ફ્લાઇટ માટે પ્રતિ ટિકિટ અંદાજે રૂ.૮૫ હજાર ઉપરાંત ૧૮ ટકા જી.એસ.ટી. વસૂલવામાં આવેછે.
દુબઈમાં મર્યાદિત દિવસ માટે પહોંચેલા ઘણા ગુજરાતીઓ પાસે મર્યાદિત ખર્ચની રકમ હોયછે. પરંતુ ફ્લાઈટ ન મળતાં તેમને હોટલ ભાડું, ખાવા-પીવાના ખર્ચ, ટેક્સી ભાડાં તેમજ મોબાઇલ રોમિંગ જેવા વધારાના ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલા વોટ્સએપ નંબર પર સંપર્ક કરવામાં આવે ત્યારે માત્ર સ્વચાલિત સંદેશ મળેછે અને ઇમેઇલ દ્વારા પણ સામાન્ય સલામતી સૂચનાઓ જ આપવામાં આવે છે. આ ઉપરાંત ભારતની કેટલીક એરલાઈન્સ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરાતાં યોગ્ય પ્રતિસાદ મળતો નથી તેવી ફરિયાદો સામે આવી છે.










