![]()
એલસીબીએ એક આરોપીને ઝડપી લઇ અન્યને ઝડપી લેવાના તપાસ તેજ કરી
ગેરકાયદે અન્યના બેન્ક ખાતાનો ઉપયોગ કરનારાઓ સામે એ-બી ડિવિઝન પોલીસ મથકે ૬ ફરિયાદ નોંધાવાઇ
ભુજ: દેશભરમાં સાયબર ફ્રોડ કરનારા ચીટરો દ્વારા ઓનલાઇન ઠગાઇ કરી રૂપિયા બેંક મારફતે મેળવી લેતા હોઇ છે. હાલમાં જ સાયર સેલ એલસીબીની તપાસમાં આવા ઠગાઇના ૧.૦૫ અબજ રૂપિયા બેન્કમાં ખાતામાં કમિશન મેળવીને ચીટરોને ટ્રાન્સફર કરી દેવાયા હોવાનો મામલો સામે આવ્યો હતો. જે અંગે પોલીસે બેન્કના કર્મચારી સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરીને એક આરોપીની અટકાયત કરી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યાં પોલીસની તપાસમાં વધુ ૫ કરોડ ૨૨ લાખ ૮૦ હજાર રૂપિયા ભુજની વિવિધ બેન્કના ખાતામાં ઠલવાયા હોવાનું સામે આવ્યું હતું જે અંગે ભુજ એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંચ યુવકો સામે અલગ અલગ ૬ ફરિયાદ નોંધાવાઇ છે. એલસીબીએ એક આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
ભુજના રઘુવંશી ચોકડી નજીક હાઉસિંગ બોર્ડમાં રહેતા કરણ લલીતભાઈ રાઠોડે વ્યાયામ શાળા પાણીના ટાંકા પાસે આશાપુરા સોસાયટીમાં રહેતા કમલેશ ઉદયસિંહ ડાભી તથા કૈલાશનગરના ઓમ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ખોટી હકીકત જણાવી. ફરિયાદીના એસબીઆઈ બેંક ખાતામાં ઠગાઇના ૪ લાખ ૯૮ હજાર રૂપિયા જમા કરાવી ચેક મારફતે કઢાવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. તો, હાઉસિંગ બોર્ડમાં જ રહેતા નેહાબેન નરોતમભાઇ ઠકકરે ભુજના કૈલાશનગરમાં રહેતા ઓમ મનિષભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ ફરિયાદીના પતિને વિશ્વાસમાં લઇ ફરિયાદીના પતિના કોટક મહિન્દ્રા બેંકના બે કોરા ચેક મેળવી તેમાં ઠગાઇના રૂપિયા ૯ લાખ ૯૪ હજાર જમા કરાવીને ઉપાડી લીધા હતા. જ્યારે ભુજના સંજોગનરમાં રહેતા સૈયદ નાઝિર આરબે ભુજના શાંતિનગરમાં રહેતા આરોપી મોહમદ મણિયાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી બે ખાતાના એકાઉન્ટ નંબર તથા ઈન્ટરનેટ બેકિંગની વિગતો મેળવીને ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાં ઠગાઇના રૂપિયા૯ લાખ ૨૮ હજાર જમા એટીએમ મારફતે વિડ્રોલ કરી લીધા હતા. તો, આરોપી મોહમદ મણીયાર સામે બીજી ફરિયાદ મદીના નગર-૨ મા રહેતા ઈમ્તિયાઝ અહેમદ આદમ રાયમાએ નોંધાવી હતી. જેમાં આરોપીએ ફરીયાદીને વિશ્વાસમાં લઈ પોતાના એકાઉન્ટની ચેક બુક ન હોવાનું જણાવી ફરિયાદીનાં એચડીએફસી બેંકના ખાતામાં અઢી લાખ જમા કરાવી આ રૂપિયા ઠગાઈના હોવાનું જાણવા છતા પોતાના હોવાનું કહી વિશ્વાસઘાત કર્યો હતો.. જ્યારે પશ્ચિમ કચ્છ પોલીસના સાયબર સેલે આ મોહમદ મણિયાર અને મોહમદ સાહિદ સલીમ જુણેજા સામે સરકાર તરફે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી મોહમદ સાહિલ સલીમ જુણેજા (ઉ.વ.૨૬) રહે તૈયબા ટાઉનશીપ ખારી નદી રોડ વાળાની ધરપકડ કરી લીધી હતી. આરોપી મોહમદ સલીમ જુણેજાએ પોતાના બેંક ખાતાનો ઉપયોગ મોહમદ મણિયારના કહ્યા મુજબ સાયબર ફ્રોડના ૭ લાખ ૪૯ હજાર મેળવી ચેકથી ઉપાડી કમિશન પેટે રૂપિયા ૮૦૦થી એક હજાર રૂપિયા મોહમદ મણીયાર પાસેથી મેળવી લીધા હતા. જ્યારે કોડકી રોડમાં રહેતા શુભમ જાટ નામના યુવક સામે વધુ એક ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીએ ભુજના જુના રેલ્વે સ્ટેશન પાસે રહેતા ફરિયાદી મલકીતસિંગ હરભજનસિંગ શીખને વિશ્વાસમાં લઇ તેના પંજાબ બેંકના ખાતામાંથી ચેક મારફતે ઠગાઇના રૂપિયા ૧૫ લાખ ૪૯ હજાર મેળવીને વિશ્વાસઘાત કર્યો હતો. તેમજ ભુજના સત્યમ સોસાયટીમાં રહેતા ધનંજય શૈલેષભાઇ ચૌહાણ સામે વધુ એક ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં જુની રાવલવાડી ખાતે રહેતા ફરિયાદી રવીનાબેન કિશોરભાઇ રાઠોડને આરોપીએ વિશ્વાસમાં લઇને તેમના બેન્ક ઓફ બરોડા ભુજના બેન્ક એકાઉન્ટના કોરા ચેકો મેળવીને ૪ લાખ ૭૨ હજાર ઉપાડી લઇ તેમજ બાકીના રૂપિયા ૨૮ હજાર ગુગલ પેથી મેળવી લીધા હતા. એમ આરોપીએ ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાં ઠગાઇના રૂપિયા ૫ લાખ જમા કરાવીને ઉપાડી લઇ ફરિયાદી મહિલાના બેન્ક એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો હતો. પોલીસ અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.










