![]()
Dhari Police Video Viral: દિવાળીના તહેવારો ટાણે ધારીમાં થયેલી એક સામાન્ય માથાકૂટના મામલે ધારી પોલીસના અમાનવીય વ્યવહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીની ફરિયાદમાં પોલીસે બે યુવકોને જાહેરમાં ઢોરમાર માર્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળી સમયે ધારીમાં બે યુવકો વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા ધારી પોલીસે બંને આરોપી યુવકોની અટકાયત કરી હતી. જોકે, કાયદાકીય કાર્યવાહીના ભાગરૂપે ગુનાનું રિકન્સ્ટ્રકશન કરવાને બદલે પોલીસે જાહેરમાં જ યુવકો પર ફટકાબાજી શરૂ કરી દીધી હતી.
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ‘પોલીસ કર્મચારીઓ આ બંને યુવકોને જાહેર ચોકમાં રીઢા ગુનેગારો હોય તેવો વ્યવહાર કરીને બેરહેમીથી મારી રહ્યા છે. કીડીને કોષનો ડામ દેવા સમાન આ ઘટનામાં સામાન્ય ગુન્હાના આરોપીઓને પોલીસે અમાનવીય સજા આપતા આસપાસના લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
પોલીસના આ પ્રકારના અમાનવીય વ્યવહાર અને કાયદાને હાથમાં લેવાની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. લોકો આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ કરી રહ્યા છે.










