![]()
– મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફની હાજરીમાં ગુનેગાર નાસી છૂટતા કામગીરી સામે સવાલો
– વડતાલ પોલીસ સ્ટેશનના દારૂના ગુનાના કેસમાં ફિંગરપ્રિન્ટ લેવા લઈ જતી વખતે આરોપી તરસનું બહાનું કાઢી દીવાલ કૂદી ફરાર
નડિયાદ : વડતાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં ફોટો- ફિંગરપ્રિન્ટ લેવા માટે આરોપીને નડિયાદ ખાતે પોલીસ અધિક્ષકની કચેરીમાં લઈ જવાયો હતો. ત્યારે તરસ લાગ્યાનું બહાનું કાઢી ચકમો આપી આરોપી એલસીબીના જાપ્તામાંથી ભાગી છૂટયો હતો. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની કચેરીની સીડીઓ પર આ ઘટના બની હતી. ત્યારે સમગ્ર પોલીસ સ્ટાફની વચ્ચેથી ગુનેગાર ભાગી જવાની ઘટના બનતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે મોડી સાંજે ખેડા એલસીબીએ આરોપીને ઉત્તરસંડાથી પકડયો હોવાનું જાણવા મળ્યું છે.
વડતાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત તા. ૧૩મી સપ્ટેમ્બરે આરોપી સતીષ શંકરભાઈ ભાથીભાઈ પરમારને રૂા. ૩.૮૪ લાખના વિદેશી દારૂની ૨૪૦૦ બોટલ અને ક્વાટરિયા સાથે ઝડપી પાડયો હતો. આ ગુના બદલ વડતાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ), ૮૧, અને ૧૧૬(બી) હેઠળ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી. ગુનાની તપાસની જવાબદારી હેડ કોન્સ્ટેબલ ભાવેશકુમાર અશ્વિનભાઈ બ.નં. ૭૫૦ને સોંપવામાં આવી હતી. તપાસના ભાગરૂપે આરોપીને તા. ૧૪મીના રોજ બપોરે ૩ વાગ્યાની આસપાસ પોલીસ અધિક્ષકની કચેરીમાં લોકલ ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં આરોપી સતીષને ફોટો અને ઓનલાઈન ફિંગરપ્રિન્ટ લેવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસ કર્મચારી ઇશ્વર યુવરાજભાઈ આરોપીનો હાથ પકડી સીડી ઉતરી રહ્યા હતા. ત્યારે આરોપીએ પાણી પીવાનું બહાનું કાઢયું હતું. દરમિયાન, અચાનક તેણે ઝાટકો મારીને હાથ છોડાવી પોલીસ કર્મચારીને ધક્કો મારી કચેરીના પાછળના ભાગે ભાગી ગયો હતો. પોલીસે બૂમો પાડી તેનો પીછો કર્યો હતો પરંતુ, સરકારી સ્કૂલનો વરંડો કૂદીને સામેના રોડ તરફ આરોપી ભાગી ગયો હતો. રોડ પર ટ્રાફિક વધુ હોવાને કારણે આરોપી તેનો લાભ લઈને નાસી છૂટયો હતો. પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ કરી, પરંતુ આરોપી મળ્યો ન હતો.
એલસીબી શાખાના પોલીસ કર્મચારી ઈશ્વર યુવરાજભાઈ દ્વારા આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના બાદ પોલીસ જાપ્તામાંથી ભાગી જવા બદલ આરોપી સતીષ શંકરભાઈ ભાથીભાઈ પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૬૨ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ગુનાની તપાસની જવાબદારીવાળા હેડ કોન્સ્ટેબલ ભાવેશકુમાર અશ્વિનભાઈ અને પોલીસ કર્મચારી ઈશ્વર યુવરાજભાઈ વિરૂદ્ધ પણ ગુનો દાખલ કરાયો છે.
દારૂના કટિંગનો મુદ્દામાલ ગુમ કરી ફરિયાદ બાદ આરોપીને ગુમ કર્યાની ચર્ચા
આરોપી એલસીબીની પકડમાં હતો તે દરમિયાન જ વડતાલના ભરતસિંહ પરમારે પણ તેની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી ફરાર દર્શાવ્યો હતો. દારૂની લાઈન ચલાવતા પોલીસ વિભાગના જ બે વહીવટદાર કર્મીઓએ આગળના દિવસે એક દારૂનું કટિંગ કરાવતા વખતે એલસીબીના બે કર્મચારીઓ પહોંચી ગયા હતા. બાદમાં કેટલોક મુદ્દામાલ ગુમ કરી પ્રોહિબિશનની ફરિયાદ એલસીબી દ્વારા અને બીજી વડતાલ પોલીસે નોંધાવ્યાનો ગણગણાટ છે. આરોપીના ફરાર થવામાં પોલીસની બેદરકારીના બદલે મોટા સોગઠા ગોઠવવા આરોપીને ગુમ કર્યાની ચર્ચાઓ પોલીસ બેડામાં શરૂ થઈ છે.
નડિયાદ એલસીબીમાંથી ભાગેલો આરોપી ખેડા એલસીબીના હાથે ઝડપાયો !
ખેડા એલસીબી પોલીસે કસ્ટડીમાંથી નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડયો છે. આરોપી નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં આવેલી પટેલ વાડી રોડ પરના કુલેશ્વરી મંદિર પાસેના ફાર્મ હાઉસમાં છુપાયો હતો. ફાર્મ પણ સટોડિયાનું હોવાનું જાણવા મળી રહ્યું છે. ખેડા એલસીબી પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે નડિયાદ એલસીબી પોલીસ કચેરીએ લઈ જવામાં આવ્યો છે.










