![]()
– સત્વરે ગેરકાયદે બોર્ડ દૂર કરવા માંગણી
– 500 થી વધુ નાના- મોટા હોર્ડિંગ્સથી અકસ્માત અને જાનહાનિનો ભય છતાં તંત્ર બેધ્યાન
નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં તત્કાલિન નગરપાલિકા દ્વારા જૂજ એજન્સીઓને ભાડાકરાર કરી શહેરમાં હોર્ડિંગ્સ લગાવી જાહેરાત કરવા માટે પરવાના અપાયા હતા. માત્ર ૧૩૦ જેટલા બોર્ડને પરવાના આપ્યાની સામે હાલ નડિયાદમાં વિવિધ સ્થળે ગેરકાયદે હોર્ડિંગ્સ લાગી ગયા છે.
નડિયાદ મહાનગરપાલિકાના મુખ્ય શહેરી વિસ્તારમાં પૂર્વ અને પશ્ચિમ સહિતના તમામ જાહેર માર્ગો પર સંખ્યાબંધ હોર્ડિંગ્સ લાગેલા છે. નિયમોનુસાર સબંધિત તંત્ર સાથે એજન્સી દ્વારા કરાર કર્યા બાદ જ કરારમાં દર્શાવ્યા મુજબ જ નિશ્ચિત કરાયેલા સ્થાન પર ચોક્કસ સાઈઝનમાં જ હોર્ડિંગ્સ લગાવવાના હોય છે. ત્યારે નડિયાદની તત્કાલિન નગરપાલિકાએ ચારેક એજન્સીને ૧૩૦ જેટલા બોર્ડ લગાવવા માટે પરવાનગી આપી હતી. ત્યારે હાલ નડિયાદમાં ૫૦૦ ઉપરાંત નાના-મોટા હોર્ડિંગ્સ લાગી ગયા છે. પરવાનગી વગર બોર્ડ લગાવવાના કારણે જાનહાનિ થાય તેવા સંજોગોમાં તો માલિકની જવાબદારી નિશ્ચિત કરવામાં પણ પ્રશ્નો સર્જાય તેવી સ્થિતિ છે.
ગેરકાયદે બોર્ડ થકી આઉટડોર્સના કેટલાય ખાનગી લોકો જાહેરાતો લગાવી લાખો રૂપિયા ઓળવી રહ્યા છે.
ત્યારે મનપાની આવક પર સીધી અસર પડે છે. ત્યારે સર્વે કરી શહેરમાં ગેરકાયદે લાગેલા હોર્ડિંગ્સ દૂર કરવા માંગણી ઉઠી છે.
મોબાઈલ ટાવરો-અંડર ગ્રાઉન્ડ કેબલના ભાડા અંગે પણ અસમંજસ
શહેરમાં મોટા પ્રમાણમાં મનપાની મિલકતો પર ટેલિકોમ કંપનીના ટાવરો લગાવવામાં આવ્યા છે. જે પણ સરકારી નિયમોનુસાર અનેક સ્થાનોએ ભાડે આપવામાં આવ્યા છે. તેમજ અંડર ગ્રાઉન્ડ ખાનગી કેબલો પણ નાખવામાં આવ્યા છે. પરંતુ આ ટેલિકોમ કંપનીઓ અને કેબલો નાખનારી ખાનગી કંપનીઓ પાસે પણ ભાડા વસુલવામાં મહાનગરપાલિકા તંત્ર ઉણુ ઉતર્યુ હોવાની ચર્ચાઓ ઉઠી છે.
ભાડાની આવક થાય છે કે કેમ? તે મોટો પ્રશ્ન
શહેરમાં જે સત્તાવાર હોર્ડિંગ્સનું નિયત કરેલું વાષક ભાડુ મનપામાં એજન્સીઓ જમા કરાવતી હોય છે. પરંતુ લાંબા સમયથી આ ભાડા પણ એજન્સીઓ પાસે જમા કરાવાયા છે કે કેમ? તે પ્રશ્ન બન્યો છે. ઉપરાંત જો આ ભાડા જમા ન કરાવ્યા હોય તો પાલિકાની તિજોરી પર તેની મોટી અસર પડે તેમ છે.










