![]()
અમદાવાદ,ગુરુવાર,30
ઓકટોબર,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રણાલિકા મુજબ, નવા વર્ષ નિમિત્તે
નવા વર્ષની શુભેચ્છા આપવા ખાસ બોર્ડ બેઠક ગુરુવારે બોલાવાઈ હતી.આ બેઠકમાં નવા
વર્ષની શુભેચ્છા માત્ર નામની બની ગઈ હતી. રાજકીય પક્ષોના કોર્પોરેટરો અંદરોઅંદર એક
જ ચર્ચા કરતા હતા કે, ફેબુ્આરીમા
આવનારી ચૂંટણીમાં કોનુ પત્તુ કપાશે અને કોને રીપીટ કરાશે. નવા વર્ષની પહેલી બેઠક
હોવા છતાં ભાજપના ૧૬૦ પૈકી ચાલીસ ટકા જયારે કોંગ્રેસના ૨૫ પૈકી માત્ર ચાર
કોર્પોરેટર બેઠકમાં હાજર રહયા હતા.
આગામી સામાન્ય ચૂંટણીમાં ૨૭ ટકા મુજબ ઓ.બી.સી.બેઠકનો અમલ
કરવાની જાહેરાત સાથે જ ભાજપ,
કોંગ્રેસ કે એમ.આઈ.એમ. તમામ પક્ષના કોર્પોરેટરોને પગ નીચેથી ધરતી સરકતી હોય એમ
લાગી રહયુ છે.ગુરૃવારે જયાં બોર્ડ બેઠક મળી હતી તેવા ગાંધી હોલમાં ભાજપ અને
કોંગ્રેસના કોર્પોરેટરો કરતા તો વધુ સંખ્યામાં કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ
કમિશનરો, વિવિધ
વિભાગના ઉપરી અધિકારીઓ જોવા મળ્યા હતા. કોર્પોરેટરોની ગેરહાજરી પાછળનુ મુખ્ય
કારણ આગામી ચૂંટણીમાં તેમનુ સ્થાન રહેશે
કે કેમ એ માટે અત્યારથી જ તેઓ તેમના
પક્ષના ગોડ ફાધર એવા નેતાઓની શરણમા પહોંચી રજૂઆત કરવા લાગ્યા છે.ભાજપમાં છેલ્લી ઘડીએ કંઈ નવુ જ થતુ હોય છે. આ કારણ
જાણવા છતાં જેટલા કોર્પોરેટરોને પુછવામા આવ્યુ કે, શું તેમને પક્ષ ફરી ટિકીટ આપશે.તરત જ તેમણે કહયુ, ફીકસ જ છે.વોર્ડ
નહીં બદલાય. કોંગ્રેસમા એક તો વોર્ડ દીઠ
યોગ્ય ઉમેદવાર મળતા નથી. ઉપરથી ૨૭ ટકા મુજબ ઓ.બી.સી.નો અમલ થવાથી ઘણાં
કોર્પોરેટરોની ટિકીટ કપાઈ જાય એવી પરિસ્થિતિ છે. જયારે ભાજપમા તો વર્ષોથી ૬૦ ટકા
જેટલા જુના કોર્પોરેટરોના બદલે તદ્દન નવા ચહેરાને ટિકીટ આપવામા આવે છે.
ઓ.બી.સી.ના ઉમેદવાર સામાન્ય બેઠક ઉપર ઉમેદવારી કરી નહીં શકે
કોર્પોરેશનની અત્યાર સુધીની ચૂંટણીમાં રાજકીય પક્ષો
ઓ.બી.સી. ઉમેદવારોને સામાન્ય બેઠક ઉપરથી ટિકીટ આપી કોર્પોરેટર બનવાની તક આપતા
હતા.હવે આ શકય નહીં બને. ખાડીયા વોર્ડમાં વર્ષ-૨૦૨૧ની ચૂંટણીમાં ચાર સામાન્ય બેઠક
હતી.છતાં ભાજપે એક ઉપર સામાન્ય અને બાકીની
ત્રણ બેઠક ઉપર ઓ.બી.સી.ના ઉમેદવારોને ટિકીટ આપી કોર્પોરેટર બનાવ્યા હતા.
લઘુમતી કોર્પોરેટરોની બેઠક પણ ભયમાં
શહેરમાં જયાં લઘુમતી મતદારોની સંખ્યા વધુ છે ત્યા પણ આ વખતે
રાજકીય સમીકરણ બેઠકોની ફાળવણીને લઈ બદલાયા છે.જમાલપુર ઉપરાંત દાણીલીમડા,ગોમતીપુર અને
મકતમપુરા વોર્ડ સહિતના અન્ય વોર્ડના લઘુમતી કોર્પોરેટરોને અત્યારથી ટિકીટ કપાવાનો
ભય સતાવતો હોઈ તેઓ પણ કેવી રીતે ફરી ટિકીટ મેળવવી એની વ્યૂહ રચનામા લાગી ગયા છે.










