![]()
વડોદરાઃ જીપીએસસી દ્વારા આજે વડોદરા સહિત રાજ્યના વિવિધ સેન્ટરો પર નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસરની પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષાનું પેપર અત્યંત લાંબુ હોવાથી મોટાભાગના ઉમેદવારો માટે નિયત સમય મર્યાદામાં પેપર પુરુ કરવાનું શક્ય બન્યું નહોતું.
પેપર અંગે સ્પીપાના પૂર્વ ફેકલ્ટી રક્ષિત ઠક્કરે કહ્યું હતું કે, પેપર અધધ… ૬૦ પાનનું હતું.બે કલાકની સમય મર્યાદા અપાઈ હતી પણ પેપરના તમામ જવાબો લખતા ત્રણ કલાક લાગે તેમ હતું.આમ ભાગ્યે જ કોઈ ઉમેદવાર આ પેપરના તમા જવાબો લખી શક્યો હશે.પેપરમાં ૨૧ માર્કસના સાયન્સ એન્ડ ટેકનોલોજીના, ૩૩ માર્કસના ભૂગોળના, ૨૬ માર્કના રિઝનિંગના, ૩૬ માર્કસના ઈકોનોમિક્સના, ૩૧ માર્કસના બંધારણના, ૨૩ માર્કસના ઈતિહાસના પ્રશ્નો પૂછાયા હતા.આ પેપરમાં ઓપરેશન સિંદૂરને લગતો સવાલ પણ પૂછાયો હતો.મોટાભાગના સવાલો લાંબા વિધાનોવાળા હતા.
તેમણે કહ્યું હતું કે, પેપર મધ્યમ કક્ષાનું હતું પરંતુ પેપર સેટ કરનારે સમય મર્યાદાને ધ્યાનમાં જ નહીંં લીધી હોય તેમ પેપર જોઈને લાગે છે.ઘણા સવાલો કોન્સેપ્ટ ક્લિયર હોય તો જ આવડે તેવા હતા.
વરસાદી માહોલ વચ્ચે લેવાયેલી પરીક્ષામાં ૪૫૮૬ ઉમેદવારોમાંથી ૧૦૧૪ ગેરહાજર
વરસાદી માહોલ અને સંખ્યાબંધ જિલ્લાઓમાં રેડ એલર્ટ વચ્ચે વડોદરામાં ૨૦ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.જેમાં બે દિવ્યાંગ કેન્દ્રોનો પણ સમાવેશ થતો હતો.તકલીફો વેઠીને પણ ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા હતા.વડોદરાના ૧૮ કેન્દ્રો પર પરીક્ષા માટે નોંધાયેલા ૩૪૭૧ ઉમેદવારો પૈકી ૮૪૬ ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા નહોતા.જ્યારે બે દિવ્યાંગ કેન્દ્રો પર ૨૬૯ પૈકી માત્ર ૧૦૧ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.આમ ૪૫૮૬ ઉમેદવારો પૈકી ૧૦૧૪ ઉમેદવારોએ પરીક્ષા આપી નહોતી.









