![]()
અમદાવાદ, શુક્રવાર
નારોલ પોલીસ સ્ટેશન પાસે મટન ગલીના નાકે ઉંડા પાણીના ખાબોચિયામાં વીજ કરંટ લાગતા પતિ-પત્નીના મોત થયા હતા. આ કેસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જીનીયર, આસિ. એન્જીનીયર અને ટેકનીકલ સુપરવાઇઝર સહિત પાંચ કર્મચારીઓએ બેદરકારી દાખવતાં નારોલ પોલીસે તેઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સ્થળ ઉપર વીજના બે થાંભલા કાઢી કાઢ્યા બાદ પાણીમાં વીજ વાયરો ખુલ્લા હોવાનું બહાર આવ્યું છે.
એન્જીનીયર,આસિ. એન્જીનીયરે ટેકનિકલ સુપરવાઇઝરે બેદરકારી દાખવતાં નિર્દોષ પતિ-પત્ની મોતને ભેટયા હતા
નારોલ પોલીસ સ્ટેશન પાસે રુદ્રગ્રીન રેસિડેન્સીમાં રહેતા હેતલબહેન સિંગલે નારોલ પોલીસ સ્ટેશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જીનીયર નયનભાઇ કાપડીયા તથા ટેકનિકલ સુપરવાઇઝર જીજ્ઞોશભાઇ ગામીત અને આસિ. એન્જીનીયર પંકજભાઇ મચ્છાર સહિત પાંચ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૮ ના રોજ ફરિયાદીના પતિને ફેફસાની બિમારીના કારણે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ટિફીન આપીને તેમના દિકરા રાજનભાઇ અને તેમના પત્ની અંકિતાબહેન પરત આવી રહ્યા હતા. ત્યારે નારોલ પોલીસ સ્ટેશન સામે આવેલી મટન ગલીના નાકે આવી પહોચ્યા હતા.
જ્યાં વરસાદના પાણી ખૂબ ભરાયેલા હતા અને દંપતિ પાણીમાંથી પસાર થતાં વાહન ખાડામાંથી ફસાતા મહા મુસીબતે ખાડામાંથી વાહન કાઢીને પાણીંમાં ફસાયા હતા આ સમયે પાણીમાં વીજ પ્રવાહ પસાર થતાં પતિ અને પત્નીને શરીરે કરંટ લાગતાં તડપી તડપીને છ સકન્ડમાં મોતને ભેટયા હતા. નારોલ પોલીસે તપાસ કરતાં જ્યાં પાણી ભરાયા હતા તેની પાસે વીજના બે થાંભલા કાઢ્યા હતા અને પાણીમાં વીજ વાયરો ખુલ્લા હોવાથી આ ઘટના બની હતી.










